નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર અને ભરત કેન્સર હોસ્પિટલ દ્વારા કેન્સર જાગૃત્તિના ઉદ્દેશ ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી
ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિનના ૧૦૦ ડોઝનું નિઃશુલ્ક વિતરણ
કેન્સર જનજાગૃતિ સેમિનાર, રક્તદાન શિબિર અને આર્ટ થેરાપી જેવા માનવીય અભિગમ સાથે રોગ સામે લડવાનો સંકલ્પ
સર્વાઇકલ કેન્સરની વેક્સિનથી નાની વયની બાળકીઓ, કિશોરીઓ મહિલાઓ ગર્ભાશયના કેન્સર સામે પ્રતિકાર કરી શકાય છે અને આ કેન્સરને જડમૂળથી અટકાવી શકાય છે: ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ
સુરતની પ્રતિષ્ઠિત ‘નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર’ અને ‘ભરત કેન્સર હોસ્પિટલ’ દ્વારા જનજાગૃતિ અને સેવાકીય પ્રવૃત્તિઓના સમન્વય સાથે ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્સર પ્રત્યેનો ડર દૂર કરી, વહેલા નિદાન અને સાવચેતીનો સંદેશ સાથે કેન્સર જનજાગૃતિ સેમિનાર, રક્તદાન શિબિર અને આર્ટ થેરાપી જેવા માનવીય અભિગમ સાથે રોગ સામે લડવામાં લોકો તેમજ દર્દીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન સંસ્થાના ચેરમેન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ અને ટ્રેઝરર શ્રી કનુભાઈ શાહના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાલાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને મેડિકલ ડાયરેક્ટર ડો. નિલેશ મહાલેના સુપરવિઝન સાથે સફળ રીત પાર પાડ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રદર્શનને સૌએ નિહાળ્યું હતું. કેન્સર અવેરનેસ સેશનમાં કેન્સરના નિદાન, લક્ષણો અને આધુનિક સારવાર પદ્ધતિઓ વિષે ૨૫૦ થી વધુ નાગરિકોએ ભાગ લઈ તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું. મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે હોસ્પિટલ દ્વારા ઉમદા પહેલ કરી જરૂરિયાતમંદ મહિલાઓને HPV વેક્સિનના ૧૦૦ ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
કેન્સરના દર્દીઓની સારવારમાં રક્તની અનિવાર્યતાને ધ્યાને રાખી આયોજિત રક્તદાન શિબિરમાં રકતદાતાઓએ કુલ ૩૫ યુનિટ રક્તનું દાન કર્યું હતું. આ ઉપરાંત કેન્સર સામેની જંગ જીતેલ ૧૦ બાળકોની પેઇન્ટિંગ સ્પર્ધા યોજી તેમના મનોબળને મજબૂત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ અભિયાન અંતર્ગત દર્દીઓની માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા માટે ૨૫ જેટલા સહભાગીઓ માટે વિશેષ ‘આર્ટ થેરાપી’ સેશન યોજાયું હતું.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કેન્સર એ અસાધ્ય નથી, પરંતુ જો તેનું સમયસર નિદાન કરવામાં આવે તો તેને ચોક્કસપણે હરાવી શકાય છે. સેવા અને જાગૃતિ દ્વારા કેન્સર સામે લડવાના અમારા પ્રયાસો છે. સર્વાઇકલ કેન્સરની HPV વેક્સિનથી નાની વયની બાળકીઓ, કિશોરીઓ, મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરને નિવારી શકાય છે અને આ કેન્સરને જડમૂળથી અટકાવી શકાય છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત અને તંદુરસ્ત ભારતના સપનાને સાકાર કરવાની પહેલ અંતર્ગત કેન્સર સામે લોકો જાગૃત્ત બને અને જીવનશૈલીમાં પરિવર્તન લાવે તે આવશ્યક છે.
ડો.ચૌહાણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતની સૌથી અદ્યતન કેન્સર સારવાર આપતી ભરત કેન્સર હોસ્પિટલના કારણે અમદાવાદ કે મુંબઈ સુધી દર્દીઓને જવું પડતું નથી. અને સુરતમાં પોષણક્ષમ અને ઉત્તમ સારવાર મળી રહે છે.





