રાજ્યભરનાં ધો.૬થી ૧૨નાં બાળકો માટે ‘સંરક્ષણ સેવા’ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉત્તમ તક એટલે રાજ્ય સરકારની ‘રક્ષાશક્તિ શાળા’
મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાંથી માત્ર ગુજરાતમાં અમલી RSS-‘રક્ષા શક્તિ શાળા’ યોજના અંતર્ગત સુરત સહિત રાજ્યભરમાં માત્ર ૧૦ શાળા

સર્વોત્તમ શિક્ષણની સાથે સર્વાંગી વિકાસના મંત્રને સાકાર કરતી ઓલપાડ તાલુકાનાં અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ યુનિ. સંચાલિત નિવાસી રક્ષા શક્તિ શાળા
નાનપણથી જ બાળકોને શિસ્તબદ્ધ રીતે શિક્ષણની સાથે શારીરિક અને માનસિક ક્ષમતાઓ કેળવવાની નિ:શુલ્ક તાલીમ આપે છે ‘રક્ષા શક્તિ શાળા’
રાજયના વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ, પેરા મિલિટરી અને પોલીસ સહિતની સેવામાં કારકિર્દી ઘડવાની તક આપવાના હેતુસર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ‘RSS-રક્ષા શક્તિ સ્કૂલ્સ’ યોજના અમલી બનાવાઈ છે. જેમાં રાજ્યના વધુમાં વધુ બાળકો સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવી શકે તે માટે સુરત સહિત કુલ ૧૦ જિલ્લામાં સામાજિક ભાગીદારી થકી ઉચ્ચ ગુણવત્તા યુક્ત નિવાસી રક્ષા શક્તિ શાળા શરૂ કરવામાં આવી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘રક્ષા શક્તિ શાળા’(માત્ર કુમારશાળા)માં ધો.૬માં પ્રથમ વર્ષે જ ૫૪ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સુરત, ભાવનગર, વલસાડ, ભરૂચ, બોટાદ સહિતના જિલ્લાઓનાં બાળકોની પસંદગી કરાઈ છે.
આ અંગે વિગતો આપતાં શાળાના આચાર્યશ્રી દયાશંકર ઠાકુરે જણાવ્યું કે, નાનપણથી જ દેશની રક્ષા માટે સંરક્ષણ સેવાઓમાં કારકિર્દી ઘડવા માંગતા બાળકો માટે રક્ષાશક્તિ સ્કૂલ એક ઉત્તમ માધ્યમ છે. રાજ્ય સરકાર દ્વારા PPP(જાહેર-ખાનગી ભાગીદારી) ધોરણે શરૂ કરાયેલી નિવાસી RSSમાં ધો.૬ થી ૧૨ના બાળકોને શિસ્તબદ્ધ રીતે શિક્ષણની સાથે શારીરિક અને માનસિક ક્ષમતાઓ કેળવવાની નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓના દૈનિક કાર્યક્રમ વિષે જણાવતાં તેમણે કહ્યું કે, અહીં બાળકોને રોજ સવારે યોગ, કસરત અને દોડ જેવી શારીરિક કસરત અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. દિવસ દરમિયાન શૈક્ષણિક વર્ગો અને નિત્યક્રમ મુજબ સાંજે કરાટે, સ્વિમિંગ, દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ જેવી રમતોની સાથે રિટાયર્ડ આર્મી ઓફિસર દ્વારા NCC તાલીમ અને પરેડ કરાવવામાં આવે છે. તેમજ તેઓને નાનપણથી જ સંરક્ષણ, પેરા મિલિટરી અને પોલીસ સહિતની સેવાઓ વિષે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવે છે. અને બાળકોને તણાવમુક્ત રાખવાં સંગીત અને ડાન્સ સહિતની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.
વધુમાં બાળકોનાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેતા ઋતુ અનુસાર આહારમાં લીલા શાકભાજી અને ફળો સામેલ કરીને સવાર-સાંજ નાસ્તો, બપોર-રાતે ભોજન અને ચા-દૂધ સાથે સંપૂર્ણ ખોરાક આપવામાં આવે છે. જેમાં તેમની જરૂરિયાત અનુસાર પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન, ફેટને સમાવતા બધા પોષકતત્વોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, કચ્છ, અમરેલી પાટણ અને ખેડા સહિતના ૧૦ જિલ્લાઓમાં PPP(જાહેર-ખાનગી ભાગીદારી) ધોરણે ‘રક્ષા શક્તિ શાળા’ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની ભાવિ પેઢી શારીરિક, માનસિક અને શૈક્ષણિક સ્તરે સક્ષમ બની સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે હેતુથી રાજ્યમાં શરૂ કરાયેલી આ યોજનાની સફળતાને આધારે દેશના અન્ય રાજ્યોમાં શરૂ કરાશે.
વલસાડનો કૌટિલ્ય દુબે ભવિષ્યમાં નેવી ઓફિસર બનવાની મહેચ્છા ધરાવે છે
વલસાડ જિલ્લાનો વતની કૌટિલ્ય દુબે સુરતની રક્ષા શક્તિ શાળાનાં ધો.૬માં અભ્યાસ કરે છે. ભવિષ્યમાં દેશનાં નૌકાદળમાં સેવા આપવાની ઈચ્છા ધરાવતાં કૌટિલ્યએ પિતાના માર્ગદર્શન હેઠળ અહીં પ્રવેશ મેળવી પોતાનાં સ્વપ્ન સાકાર કરવાની દિશામાં પ્રથમ પગલું માંડ્યું છે.
ભાવનગરનો પર્વ જોડિયા મોટો થઇ IAS બનવા માંગે છે
RSSમાં ધો.૬માં અભ્યાસ કરતાં ભાવનગરનાં પર્વ જોડિયાએ IAS બનવાની ધ્યેય સિદ્ધી સાથે પ્રવેશ મેળવ્યો છે. તેઓ રક્ષા શક્તિ શાળા ખાતે મળતી શૈક્ષણિક અને શારીરિક તાલીમથી સંતુષ્ટ છે. તેમજ નાનપણથી જ શરૂ કરેલી તૈયારી લાંબાગાળે મદદરૂપ થવાનું જણાવે છે.
RSSમાં પ્રવેશ માટે પાત્રતા
આ શાળામાં વિદ્યાર્થીઓની પસંદગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) દ્વારા કરવામાં આવે છે. લેખિત પ્રવેશ પરીક્ષા ઉપરાંત જરૂર પ્રમાણે સૈનિક શાળા બાલાચડી-જામનગરની પેટર્ન મુજબ ઉમેદવારોને સિવિલ સર્જન તરફથી મેડિકલ ફિટનેસ ટેસ્ટ અને જરૂર પ્રમાણે ઇન્ટરવ્યું કરી આખરી પ્રવેશ પસંદગી થાય છે.
RSSમાં પરીક્ષાના મેરીટ આધારે સરકારી તેમજ ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાના વિદ્યાર્થીઓ માટે ૭૫% અને ૨૫% સુધી ખાનગી શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થીઓને દરેક સુવિધાનો નિ:શુલ્ક લાભ મળે છે.
અરજી કરવાની રીત
રાજ્યની કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET)માં વિદ્યાર્થીની યોગ્યતાના આધારે અનામત નીતિઓ, પસંદગીમાં જાતિ પ્રમાણ, રાજ્યના જિલ્લાઓમાં દર વર્ષે ઉપલબ્ધ બેઠકોને આધિન લાયક વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.





