સુરત જિલ્લામાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે ખેડૂતોએ સમયમર્યાદામાં ક્લેમ સબમિટ કરવા અનુરોધ
સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા ખેડૂતલક્ષી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત પેકિંગ મટીરીયલ્સ, હાઇબ્રીડ શાકભાજી બિયારણ, છુટા ફુલો, જામફળ અને આંબા જેવા ફળ પાકોના વાવેતર, કેળ (ટીસ્યુ કલ્ચર), ટ્રેલીઝ મંડપ (કાચા, અર્ધપાકા અને પાકા), કૃષિ યાંત્રીકરણ પ્રોત્સાહન, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ), શાકભાજી પાકો માટે ક્રોપ કવર, વેલાવાળા શાકભાજી માટે ટીસ્યુ કલ્ચરથી ઉત્પન્ન પ્લાન્ટિંગ મટીરીયલ તેમજ બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર જેવા ઘટકો માટે સહાય આપવામાં આવી રહી છે.
ઉપરોક્ત યોજનાઓ હેઠળ i-khedut 2.0 પોર્ટલ પર અરજી કરી અને જેમને પૂર્વ મંજૂરી મળી ગઈ છે, તેવા તમામ ખેડૂતોએ નિયત સમયમર્યાદામાં યોજનાની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. સહાયની રકમ મેળવવા પાત્ર ખેડૂતોએ વાવેતર અથવા ખરીદીના અસલ બિલો તેમજ જરૂરી તમામ આધારભૂત દસ્તાવેજો તા.૧૦મી ફેબ્રુઆરી સુધીમાં i-khedut 2.0 પોર્ટલ પર ઓનલાઈન ક્લેમ રૂપે સબમિટ કરવાના રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ અપલોડ કરાયેલા બિલો કે દસ્તાવેજો વહિવટી પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે નહીં, તેવી બાગાયત ખાતા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૬૧–૨૬૫૫૯૪૮ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.





