મોટી ખબર: સુરતમાં રેડ એલર્ટ વચ્ચે તમારા તાલુકામાં કોણ સંભાળશે મોરચો? કલેક્ટરે જાહેર કરી ક્લાસ-1 અધિકારીઓની યાદી!
સુરત જિલ્લામાં રેડ એલર્ટને પગલે સંભવિત આપત્તિ સામે પૂર્વતૈયારી અને સુદ્રઢ આયોજન: રાહત-બચાવ કામગીરી માટે તાલુકાવાર વર્ગ-૧ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરાઈ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી તેમજ સુરત જિલ્લામાં વરસાદી માહોલને સ્નુસરીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિ સામે પૂર્વતૈયારીઓ અને રાહત-બચાવ કામગીરી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય અને તકેદારીના જરૂરી પગલાં લઈ શકાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ સુરત ગ્રામ્યના વિવિધ તાલુકાઓમાં વર્ગ-૧ કક્ષાના અધિકારીઓને વિશેષ કામગીરી સોંપવામાં આવી છે.
આ તમામ અધિકારીઓ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત અને જિલ્લા વહીવટી તંત્રના સતત સંકલન તથા જાણ હેઠળ રહીને પોતપોતાના નિયત વિસ્તારોમાં તકેદારી, રાહત અને બચાવની કામગીરીનું સીધું સુપરવિઝન કરશે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી હુકમ અનુસાર, ચોર્યાસી તાલુકા માટે નાયબ કલેક્ટર(સુડા) શ્રી તૃપ્તી પટેલ, ઓલપાડ તાલુકા માટે ઓલપાડના પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણીયા, બારડોલી તાલુકા માટે બારડોલીના પ્રાંત અધિકારી સુશ્રી જે.એન.પરમાર, મહુવા તાલુકા માટે સ્પીપા સુરતના નાયબ કલેક્ટર સુશ્રી કૃતિકા.એ.વસાવા અને અંબિકા માટે જિલ્લા આયોજન અધિકારી સુશ્રી શિતલ માંડવીયાની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત કામરેજ તાલુકા માટે કામરેજ પ્રાંત અધિકારી શ્રી વી. કે. પીપળીયા, પલસાણા તાલુકા માટે નાયબ કલેક્ટર સુશ્રી પલક ત્રિવેદી, માંડવી તાલુકા માટે માંગરોળ પ્રાંત અધિકારી શ્રી કૌશિક જાદવ, અરેઠ માટે નાયબ કલેક્ટર(પ્રોટોકોલ)શ્રી અંકિત.પી.ગોહિલ, માંગરોળ તાલુકા માટે જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત) શ્રી ગજેન્દ્ર.એ.પટેલ તેમજ ઉમરપાડા તાલુકા માટે જિલ્લા સહકારી મંડળીના નાયબ રજીસ્ટ્રાર શ્રી હરેશ કાછડને ક્લાસ-૧ અધિકારી તરીકે બચાવ અને રાહત કામગીરીનું મૂલ્યાંકન તેમજ સંચાલન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત દ્વારા તમામ કચેરીઓ અને સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ પાઠવી દેવામાં આવી છે. જેથી સંભવિત ભારે વરસાદ દરમિયાન ગ્રામ્ય સ્તરે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી શકે. વધુ માહિતી માટે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત(૦૨૬૧-૨૬૬૩૨૦૦) અથવા સ્થાનિક મામલતદાર અને પ્રાંત કચેરીનો સંપર્ક કરવો.




