મહુવાના મિયાપુર ગામે આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
મહુવા / સુરત:-
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા મિયાપુર ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની સતત અવરજવરને કારણે સમગ્ર પંથકમાં ભારે દહેશત વ્યાપેલી હતી. દીપડો અવારનવાર ગામની આસપાસ અને રહેણાંક વિસ્તારમાં લટાર મારતો નજરે પડતાં સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.દીપડાના ત્રાસથી છુટકારો મેળવવા માટે સ્થાનિક ગ્રામજનોએ આ અંગે વન વિભાગને લેખિત તથા મૌખિક જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મિયાપુર ગામે દીપડાની ચહલપહલ વાળા વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું.દરમિયાન આજે વહેલી સવારે ખોરાકની શોધમાં આવેલો દીપડો વન વિભાગના પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતાં જ લોકોના ટોળેટોળાં તેને જોવા માટે એકઠા થયા હતા.દીપડો પાંજરે પુરાતા જ મિયાપુર અને આસપાસના વિસ્તારના લોકોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાનો કબજો મેળવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલ વિસ્તારમાં કે રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.



