મકરસંક્રાંતિ
“ઉત્સવ પ્રિયા: ખલુ મનુષ્યા:”
મહાકવિ કાલિદાસે આ યથોચિત જ કહ્યું છે. કેમ કે ઉત્સવો સૌ કોઇને પ્રિય છે. આપણા ઉત્સવો એટલે આપણું જીવન.તે કોઈ ને કોઈ જીવન દર્શન રજૂ કરી જાય છે. મકરસંક્રાંતિ પણ આવું જ કંઇક દર્શન કરાવી જાય છે.
આપણા તહેવારો ચંદ્રના ક્ષય અને વૃદ્ધિને આધારે ઉજવીએ છીએ, પરંતુ એક માત્ર મકરસંક્રાંતિ સૂર્યની ગતિ(દિશા) પર આધાર રાખીને ઉજવાતો તહેવાર છે. પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશે છે તેથી આપણે આ તહેવારને મકરસંક્રાંતિ કહીએ છીએ. સૂર્ય સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે એટલે તેને ઉત્તરાયણ કહીએ છીએ.
હવે બીજી એક નવાઈની વાત જુઓ કે, આપણા તિથિ પ્રમાણે ઉજવાતા તહેવારોમાંથી માત્ર મકરસંક્રાંતિ અંગ્રેજી મહિનાની તારીખ પ્રમાણે આવે છે. જાન્યુઆરીની ચૌદમી તારીખે પોષ મહિનામાં આ પર્વ આવે છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ અને પતંગ ચગાવીએ છીએ, પરંતુ ખરેખર તો પતંગોત્સવ તો ઊતરી આવ્યો છે ચીનમાંથી. ચીનવાસીઓ અંતરિક્ષમાં વસતા પોતાના પૂર્વજો અને દેવતાઓ સુધી સંદેશ પહોંચાડવા ફ્રાનસ ચગાવતાં, પ્રાર્થના કરતાં. ધીમેધીમે આ એક રાષ્ટ્રની સીમાને લાંધીને પતંગપર્વ આવ્યો આપણા દેશમાં આપણે આ પર્વને મકરસંક્રાંતિ સાથે વણી લીધો. આજે તે મહાઉત્સવ બની ગયો છે. પતંગ ચગાવવાની પ્રથા પાછળ એક વિશિષ્ટ યોજના રહેલી છે. પતંગ ચગાવવા ખુલ્લા મેદાનમાં, છત પર કે અગાશીમાં જવું પડે એટલે ઠંડીના દિવસોમાં આમ સહજ રીતે જ થઇ જાય સૂર્યસ્નાન ! જુઓ, શરીર સ્વાસ્થ્યને આનંદ સાથે સાંકળી લેવાની કેવી અદ્દભુત કુદરતી ગોઠવણ ! રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રકારે આજે પતંગ મહોત્સવ ઉજવાય છે.
આપણા ગુજરાત રાજયમાં તો સરકારે મકરસંક્રાંતિ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન ઘણાં વર્ષોથી શરૂ કર્યું છે અને ગુજરાતના મુખ્ય શહેરોમાં સમગ્ર વિશ્વના પતંગબાજોને વિવિધ પ્રકારની પતંગો ચગાવવા માટે નિમંત્રિત કરવામાં આવે છે. પતંગોત્સવ નિહાળવા માટે હજારો લોકો એકઠા થઇ પતંગોત્સવનો આનંદ માણે છે.સૂર્યના સંક્રમણ સાથે આપણું જીવન સંકળાયેલું છે એ દૃષ્ટિએ આ ઉત્સવનું સાંસ્કૃતિક રીતે અનોખું મહત્વ છે. સૂર્ય પોતાની આળસ ખંખેરી અંધકાર ઉપર આક્રમણ કરવાનો દૃઢ સંકલ્પ આ દિવસે કરે છે એટલે કે દિવસો ધીમેધીમે લાંબા થતા જાય છે અને રાત્રી ટૂંકી.સારા કાર્યો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત પણ થાય છે. ૧૪મી ડિસેમ્બરથી શરૂ થયેલા કમુહીંર્ત (કમૂરતાં) નો ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે અંત આવે છે. હિંદુઓ મકરસંક્રાંતિ પછી જ પોતાનું મૃત્યુ આવે તેમ ઝંખે છે. યમરાજને ઉત્તરાયણ સુધી રોકી રાખનાર ભીષ્મ પિતામહ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આનંદોત્સવની સાથે મનના સંકલ્પો બદલવા જોઇએ,વિચારક્રાંતિ લાવવી જોઇએ, એવો સંદેશ પણ મકરસંક્રાંતિ આપી જાય છે. સંક્રાંતિ એટલે સંઘ ક્રાંતિ. કોઇપણ મહાનકાર્યમાં સંગઠનની જરૂર રહે. સંઘમાં વિશિષ્ટ તાકાત હોય છે. જે કોઇપણ કઠિન કાર્યને સહજ શક્ય બનાવે છે. સંઘમાં ભેગા થયેલા લોકોના સંબંધો સ્નેહપૂર્ણ અને મધુર હોવા જોઇએ. આ વાતની સ્મૃતિ રૂપે કદાચ સંક્રાંતિના દિવસે તલગોળના લાડુ એકબીજાને આપવાની પ્રથા શરૂ થઇ હશે. તલમાં સ્નગ્ધતા છે. રૂક્ષ-કઠોર બનેલા સંબંધોમાં તલ સ્નગ્ધતા લાવી શકે અને ગોળની મીઠાશ મનની કડવાશ દૂર કરે. આમ સ્નેહ અને મીઠાશનું પ્રતીક એટલે તલ અને ગોળ.
મહારાષ્ટ્રમાં તો લોકો એકબીજાને તલગોળ આપે છે. તલના લાડુમાં પૈસા મૂકીને આપવાની પ્રથા ગુપ્તદાનનો મહિમા સમજાવે છે. માણસો ગરીબોને યથાશક્તિદાન આપે છે, પશુઓને ઘૂઘરી ખવડાવે છે, શ્રીમંતો સુવર્ણદાન પણ કરે છે.
આ ઉત્સવમાં તલના લાડુને મહત્વ મળ્યું તેનું નૈસર્ગિક કારણ પણ છે. શિયાળાની સખત ઠંડીમાં શરીર જકડાઈ ગયું હોય, લોહીનું ભ્રમણ મંદ થવાની સંભાવના રહે, શરીર રૂક્ષ થાય ત્યારે સ્નગ્ધતાની જરૂર રહે. સ્નગ્ધતાનો ગુણ તલમાં રહેલો છે. આયુર્વેદના મતે આ ઋતુમાં તલ આદર્શ ખોરાક છે. તાત્વિક- ધાર્મિક દૃષ્ટિએ જોતાં અદ્દશ્ય ઇશ્વરીયશક્તિ કોઈ અજ્ઞાત અગાશીમાં ઊભા રહીને આપણી જીવનરૂપી પતંગ ચગાવે છે. આપણી પતંગનો દોર તેમના હાથમાં છે. તે દોર તેમના હાથમાંથી છૂટી ન જાય, આપણું જીવન અસ્વસ્થ ન થઇ જાય તે માટે પ્રભુને પ્રાર્થના કરવાની રહે,
“ પ્રભુ ! મારો જીવનપતંગ ઝોલે ન ચડે તે માટે મેં તારા હાથમાં તેનો દોર આપ્યો છે, સંભાળજે.
આ પર્વ નિમિત્તે સૂર્યનો પ્રકાશ, તલગોળની મીઠાશ અને પ્રભુ પર વિશ્વાસ આપણા જીવનમાં સાકારિત થાય તો જ એ આપણાં જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય.





