Traffic Tail

સુરત જિલ્લાના ૧૫૩૯ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુંકપત્ર એનાયત.

SHARE:

સુરત ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ્હસ્તે સુરત જિલ્લાના ૧૫૩૯ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુંકપત્ર એનાયત

ગુજરાતનું ઉજ્જ્વળ ભાવિ ઘડવામાં આંગણવાડી બહેનોની અગત્યની ભૂમિકા

ભાવિ પેઢીને સંસ્કારી અને સુદ્રઢ બનાવવામાં આંગણવાડી બહેનોનો નોંધપાત્ર ફાળો છે
શહેરી વિકાસ રાજ્ય મંત્રી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું

સુરત:- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ્હસ્તે વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સુરત જિલ્લાના ૧૫૩૯ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુંકપત્ર અર્પણ કરાયા હતા. સાથે જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, નવી પેઢીને ઘડવામાં આંગણવાડી બહેનોની જવાબદારી ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે માતા-પિતા પછી તેઓ જ બાળકને સંભાળે છે, તેમને પોષણ આપે છે અને તેમના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટેનું પ્રથમ પગથિયું પૂરું પાડે છે. નાનાં બાળકોની સંભાળ રાખવી અત્યંત જવાબદારીપૂર્ણ અને કઠિન કામગીરી છે, જે આંગણવાડી બહેનો દિનદિન પ્રતિદિન નિભાવતી હોય છે. બાળકોના પોષણની સાથોસાથ છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય ઝુંબેશ, રસીકરણ, શિક્ષણને પ્રોત્સાહન જેવા મહત્વના સરકારના લક્ષ્યો પૂર્ણ કરવામાં મોટું યોગદાન આપે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે બાળકો, મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. વર્ષ ૨૦૦૨માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરીને મહિલા અને બાળકો માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું, જેના કારણે આ ક્ષેત્રે વિશેષ કાર્ય શક્ય બન્યું. આ વિભાગ નાનો હોવા છતાં અત્યંત મહત્વનો છે. વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપી રાજ્યને કુપોષણમુક્ત બનાવવાનો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આંગણવાડી બહેનોનું કાર્ય બાળ-સંભાળની સાથોસાથ નાનાં બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું પણ છે. ભાવિ પેઢીને સંસ્કારી અને સુદ્રઢ બનાવવા આંગણવાડી બહેનોનો નોંધપાત્ર ફાળો છે.
પસંદગી પામેલી બહેનો ઉત્તમ કામગીરી કરશે તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા યશોદા એવોર્ડ માટે પણ પાત્ર બનશે એમ રાજ્ય મંત્રીશ્રીએ સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, મેયરશ્રી દક્ષેશભાઇ મેવાણી, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, ડે.મ્યુ.કમિશનર દિનેશ ગુરવ, ઝોન-૪ના ડીસીપી ડો.નિધિ ઠાકુર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓ અને આંગણવાડીઓની બહેનો, નવનિયુક્ત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!