દિનવિશેષઃતા.૩જી ડિસેમ્બરઃઆંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ
વ્હીલચેર ક્રિકેટ: સુરતના ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં માન્ય સ્થાન મળ્યું:
ધનસુખ પટેલની ફ્રી એકેડેમીના ત્રણ શિષ્યોને વ્હીલચેર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન:
મનીષ ગિરિરાજ શર્મા મુખ્ય કોચ, પરશુરામ દેસલે વાઇસ કેપ્ટન અને
મિલન આહિર ઓલરાઉન્ડર તરીકે પસંદ
દિવ્યાંગ ક્રિકેટમાં સુરતનું યોગદાનઃ ફ્રી એકેડેમીના શિષ્યોની સિદ્ધિએ શહેરનું ગૌરવ વધાર્યું
ઉમંગ નેશનલ વ્હીલચેર ટુર્નામેન્ટ માટે ત્રણ દેશોની ટીમો ભોપાલમાં ટક્કર આપશે

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના પુર્વે સુરત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દિવ્યાંગ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સુરતના ત્રણ ખેલાડીઓની વ્હીલચેર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ સિદ્ધિ માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ માટે પ્રેરણારૂપી ક્ષણ છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઉંબેર ગામના નિવાસી ધનસુખ પટેલ ઘણા વર્ષોથી દિવ્યાંગ ખેલાડીઓને ફ્રી કોચિંગ આપીને તેમની રમતિયાળ પ્રતિભાને નિખારી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ ૯ પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરની તૈયારી કરાવી ચૂક્યા છે, જેમાંથી ત્રણ ખેલાડીઓને આ વખતે વ્હીલચેર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે.
ધનસુખ પટેલ કહે છે કે, “દિવ્યાંગ ખેલાડીઓ પાસે અદમ્ય શક્તિ હોય છે. સાચી તક અને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમકી શકે છે. આ ત્રણેય ખેલાડીઓની સિદ્ધિ મારા માટે પરિવારના સભ્ય જેવી ખુશી મળી છે”
ફ્રી એકેડેમીના શિષ્ય મનીષ ગિરિરાજ શર્માને ભોપાલ ખાતે યોજાનારી ઉમંગ નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સુરતના જ પરશુરામ દેસલેને ઉત્તમ પ્રદર્શન બદલ ઇન્ડિયન વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરાયા છે, જ્યારે મિલન આહિરને તેમના સર્વાંગી પ્રદર્શનને આધારે ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે.
આ ટુર્નામેન્ટ ભોપાલના ઓલ્ડ કેમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે ૮ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે, જેમાં ભારત (મધ્ય પ્રદેશ), નેપાળ અને શ્રીલંકાની વ્હીલચેર ક્રિકેટ ટીમો ભાગ લેશે. દિવ્યાંગ રમતજગતમાં આ ટુર્નામેન્ટને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠા પ્રાપ્ત છે.
ત્રણેય ખેલાડીઓની સિદ્ધિ બદલ અભિનંદનનો માહોલ છવાઈ ગયો છે. સુરતના ખેલપ્રેમીઓ, ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ફ્રી એકેડેમીના માર્ગદર્શકોમાં આનંદની લાગણી પ્રસરી છે. સુરતમાં દિવ્યાંગ ખેલાડીઓના સશક્તિકરણની દિશામાં આ સિદ્ધિ એક મહત્વપૂર્ણ પગલું છે.




