નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૬૨ વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પટેલના અંગદાનથી ત્રણને નવજીવન
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૬૨ વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પટેલના લીવર, બે કિડનીનું દાન: નવી સિવિલ હોસ્પિટલ થકી ૮૨મું સફળ અંગદાન:
ભરૂચ જિલ્લાના અડોલના પટેલ પરિવાર અંગદાનના માનવતાવાદી અભિગમથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૮૨મું સફળ અંગદાન થયું છે. મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પ્રભુભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહીને સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતા હતા. ત્યારે તા.૨૪મી ઓક્ટોબરે બપોરે ૧૨:૦૦ વાગ્યે દલપતભાઈ પટેલને ચક્કર આવતા પડી ગયા હતા. પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં તરત જ તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને 2/A વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા.તા.૨૮મી ઓક્ટોબરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ત્યારબાદ પટેલ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલરે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ.દલપતભાઈના પત્ની હંસાબેન અને પુત્ર જયદીપભાઈ, દિકરીઓ પારૂલબેન દલપતભાઈ, અમરૂતાબેન દલપતભાઈ અને ઇલાક્ષીબેન દલપતભાઈ સહિત પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.
બ્રેઈનડેડ સ્વ. દલપતભાઈ પટેલના લીવર અને બે કિડની આઈકેડી હોસ્પિટલ, અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોથી અત્યાર સુધી કુલ ૮૨ સફળ અંગદાન થઈ ચૂક્યાં છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનો અનોખો ઉદાહરણ છે.





