Traffic Tail

સુરતના ૫ તાલુકાના ૩૦ ગામોમાંથી પસાર થતી ૬૨ કિમી લાંબી ખાવડા-અમદાવાદ-નવસારી વીજલાઈન સંદર્ભે યોગ્ય વળતર માટે જિલ્લા કલેકટરને જનપ્રતિનિધિઓની રજૂઆત

SHARE:

સુરતના ૫ તાલુકાના ૩૦ ગામોમાંથી પસાર થતી ૬૨ કિમી લાંબી ખાવડા-અમદાવાદ-નવસારી વીજલાઈન સંદર્ભે યોગ્ય વળતર માટે જિલ્લા કલેકટરને જનપ્રતિનિધિઓની રજૂઆત

બુલેટ ટ્રેન, નેશનલ હાઇવે, મેટ્રો રેલ, DFCC પ્રોજેક્ટમાં મળતા વળતર દરને આધારે ટ્રાન્સમિશન લાઇનોમાં પણ અસરગ્રસ્ત ખેડૂતોને વધુ વળતર આપવા અનુરોધ
સુરત જિલ્લાના ૫ તાલુકાના ૩૦ ગામોમાંથી ૬૨ કિમી લાંબી ૧૬૯ ટાવરો સાથેની ખાવડા-અમદાવાદ-નવસારી વીજલાઈન પસાર થાય છે, જેની સીધી અસર સુરત જિલ્લાના ખેડૂતોની ફળદ્રુપ જમીનમાથી પસાર થતી હોવાથી અસરગ્રસ્ત ખેડૂતોને આ કિંમતી જમીનનું મહત્તમ વળતર મળી રહે એ માટે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીને આદિજાતિ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, સંદીપભાઈ દેસાઈએ રૂબરૂ મળીને સામૂહિક રજૂઆત કરી હતી.
જનપ્રતિનિધિઓએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે, અલગ-અલગ તાલુકામાં જંત્રીનાં ભાવો લાગુ ગામોમાં બજાર કિંમત કરતા ઘણા ઓછા છે. જેથી મોટા ભાગના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારો અને ખેડૂત આગેવાનોએ અમારી સમક્ષ રજુઆત કરી છે જેમાં અન્ય પ્રોજેકટ જેવા કે, બુલેટ ટ્રેન, નેશનલ હાઇવે, મેટ્રો રેલ, DFCC વગેરે હેઠળ મળતા વળતર દરને આધારે ટ્રાન્સમિશન લાઇનોમાં પણ વધુ વળતર મળે તેવી અપીલ કરી છે.
ખેડૂતોની માંગણી મુજબ તેઓની કિંમતી ખેતીની જમીનમાં ટ્રાન્સમિશન લાઈનના પાયા તથા તેની આસપાસ નિયમોનુસાર છોડવી પડતી જગ્યાના કારણે ખેતરના બિનઉપયોગી ટુકડા થઈ જાય છે, જે ખેતીલાયક રહેતા નથી. ૭૬૫ કે.વી./ડી.સી. જેવી હાઈટેન્શન લાઈન પસાર થવાથી સદર લાઈન ના હાઈ રેડીયશનનાં કારણે ખેડૂતોના કિંમતી પાકને પણ નુકશાન થાય છે, જેથી પહેલા જેવી ઉપજ મેળવી શકાતી નથી. ઘણા કિસ્સામાં એક જ ખેતર માંથી એક કરતા વધારે હાઇટેન્શન લાઈન પસાર થતી હોય છે, જેના કારણે ખેડૂતોની મોટા ભાગની જમીનમાં પાક લઇ શકાતો નથી.
ઘણા કિસ્સામાં ખેડૂત દ્વારા જમીન બીનખેતી કરી તેના પર ઔદ્યોગિક એકમો બનાવવા માટે પ્લાન તથા બીનખેતી પ્રિમિયમ જેવા ખર્ચ કર્યા હોય છે, જેથી હાઈટેન્શન લાઈન જવાથી ખેડૂતોને ઘણુ મોટુ આર્થિક નુકશાન વેઠવું પડે છે એવી રજૂઆત કરી વળતર અંગે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને અનુરોધ કર્યો હતો.
રજૂઆત દરમિયાન જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા સંગઠન મહામંત્રી જિગર નાયક, અગ્રણી કિશન પટેલ, રાજેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!