મહુવામાં હાઈટેન્શન લાઇન ના વિરોધમાં ખેડૂતોનું કલેક્ટરને આવેદન

અનાવલ : પાવરગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્રારા સુરત જીલ્લાના મહુવા તાલુકાના ગામડાંઓમાથી હાઈ ટેંશન લાઈન પસાર થનાર છે તે અંગે વિરોધ દર્શાવવા માટે અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા કલેક્ટરશ્રી સુરતને આવેદનપત્ર આપવામાં આવ્યું.જો આ બાબતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુરત જિલ્લાનાં મહુવા તાલુકા માંથી પસાર થનાર પાવર ગ્રીડ કો.ઓપ. ઈન્ડિયા લિ.નો પ્રોજેકટ જે રાણત, કાની, જોળ, બીડ, પથરોણ, મહુવા, માયાંપુર, કાદીયા, ખંડાલ, બારતાડ, વાછાવડ, ખરવાણ, બિલખડી, વાઘેશ્વર, સણવલ્લા, શેખપુર સહિતના ગામોમાંથી પાવર ગ્રીડ કો.ઓપ. ઈન્ડિયા લિ.નો પ્રોજેકટ પસાર થનાર છે. આ પ્રોજેકટ માટે ખેડૂતો પાસેથી સંયુકત માલિક તથા સ્વતંત્ર માલિકીની જમીન હોય જેમાં કોઈ સંમતિ લેવામા આવેલ નથી. તેમ છતાં આ પ્રોજેકટનું કામ શરૂ કરી દેવામા આવેલ છે.આ પ્રોજેકટનાં કારણે ઉપરોક્ત ગામોનાં ખેડૂતોને જમીનો, ઝાડો કાયમી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં તેમજ આ પ્રોજેકટમાં હાઈ વોલ્ટેજ લાઈન પસાર થાય છે. જેમાં વોલ્ટ પાવર ૭૬૫ છે. આથી આ પ્રોજેકટમાં જમીન ખેડૂતોની સંપાદન થવાની છે. જે માટે જે ખેડૂતોની નુકશાન માટે વળતરનાં ભાવો નકકી કરવામાં આવેલ છે. તે ખુબ જ ઓછા પ્રમાણમાં છે. આ પ્રોજેકટ આવ્યા બાદ જે જમીનનો ઉપયોગ થનાર છે. જે જમીનો તથા ઝાડો કાયમ માટે ખેડૂતોને ઉપયોગ થનાર નથી અને ખેડૂતોને ઘણું નુકશાન થનાર છે. આ પ્રોજેકટમાં જમીન ખેડૂતોની જનાર છે. તે નાના ખેડૂતો જેની જમીનનો નહિવત છે. જેથી તેઓ ખેડૂત તરીકે પણ મટી જશે અને આવનાર સમયમાં ખેતી કરવા માટે પણ જમીન રહેવાની નથી તથા મહુવા તાલુકો આદિવાસી વિસ્તાર હોય અને હાલમાં સરકાર દ્વારા અવર-નવર નવા નવા પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓને પાયમાલ કરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. તેમજ મહુવા તાલુકામાં મોટા ભાગનાં ખેડૂતો આદિવાસીઓ છે. જેમીન જમીનો ઉપર કોઈપણ બાંધકામ કે ખેતી જમીનમાંથી બિનખેતીમાં કરવા માટે કલેકટરની પરવાનગી લેવાની હોય છે. પરંતુ હાલમાં સરકાર દ્વારા તારીખ ૦૮/૦૪/ર૦પનો ઠરાવ ક્રમાંક નશજ/૧૦૨૦૨૫/૫૬/જ મુજબનો પરીપત્ર બહાર પાડીને ખેતીની જમીન બિનખેતીનાં ઉપયોગમાં લેવા માટે કલેકટર કોઈ પણ પરવાનગી લેવાની રહેશે નહીં અને પ્રીમીયમ પણ ભરવાનુ રહેશે નહીં.
જેથી આ ઠરાવનાં કારણે એજન્સી તથા પ્રોજેકટનાં માલિકોને લાભ થશે અને આદિવાસી ખેડૂતોને કોઈ લાભ થવાના નથી. જેથી સદર પ્રોજેકટ સત્વરે સ્થગીત કરવામાં ખેડૂતોનાં હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.જો દિન-૭માં આ બાબતે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, યુવા આગેવાન વિપુલભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત સભ્ય એડવોકેટ પરિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય જીજ્ઞેશભાઈ પટેલ,હર્ષદભાઈ પટેલ, રાજેશભાઈ ચૌધરી, શૈલેષભાઈ નાયકા, અનુપમભાઈ ચૌધરી, રણછોડભાઈ રાઠોડ, સતિષભાઈ પાંડે,ભીખુભાઇ આહીર, અમરતભાઈ આહીર, હરીશભાઈ ચૌધરી સહિતના આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા.






