દિન વિશેષ:તા.૧ જુલાઈ-‘નેશનલ ડોક્ટર્સ ડે’
સુરતમાં ૪૫૯૩ સફેદ એપ્રનમાં ‘દેવદૂત’: સુરતીઓને તંદુરસ્ત રાખવામાં વિવિધ ક્ષેત્રે સેવા આપી રહેલા આ તબીબોનો ફાળો અમૂલ્ય
રોજિંદા જીવનમાં ૩૦થી ૪૫ મિનિટ ફરજિયાત વ્યાયામ અને પૌષ્ટિક આહારને સ્થાન આપવા અનુરોધ કરતાં IMA-સુરતના પ્રમુખ ડૉ.સી.બી.પટેલ
ઈશ્વર જીવન આપે છે. તો સંકટ સમયે ‘દેવદૂત’ બની ડોકટર જીવનદાન આપે છે. એટલે જ ડૉક્ટરને ઈશ્વરનું પરોક્ષ સ્વરૂપ ગણાવાયું છે. “not all angels have wings, some have stethoscopes” કે પછી “white coat army” જેવા અનેક વિધાનો ખાસ કરીને કોરોના કાળ પછી લોકોને મુખે ચઢી ગયા. કોવિડના એ વિકટ સમયે સમગ્ર દેશના તબીબોએ કોઈ પણ ભેદભાવ વગર નિ:સ્વાર્થપણે સેવા આપી દેશને મહામારીથી ઉગાર્યો. વ્યક્તિગત જીવન કે સમાજમાં ડૉક્ટર્સના આવા જ અમૂલ્ય યોગદાનને બિરદાવવા સમગ્ર દેશમાં તા.૧ જુલાઈએ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA),સુરતના સંદર્ભે સુરત શહેરમાં એમ.બી.બી.એસ કે તેથી વધુની ડિગ્રી ધરાવતા કુલ ૪,૫૯૩ તબીબો તબીબી ક્ષેત્રે સેવા આપી રહ્યા છે એમ IMA-સુરતના પ્રમુખ ડૉ.સી.બી.પટેલે કહ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં નવા જમાના સાથે સુરતમાં તબીબી ક્ષેત્રએ પણ અદ્દભૂત પ્રગતિ સાધી છે. બદલાતી જીવનશૈલીની સાથે સ્વાસ્થ્યને લગતા નવા પડકારો ઊભા થયા છે, તો આધુનિકતાથી સજ્જ હોસ્પિટલો અને અપડેટેડ ડૉક્ટર સાથેની સારવાર પણ સુરતમાં શક્ય બની છે. બાયપાસ, કિડની-લીવર ટ્રાન્સપ્લાન્ટ, રોબોટિક સર્જરી કે કેન્સર જેવી સારવાર હવે સુરતમાં મળતી હોવાથી લોકોએ અન્યત્ર જવાની ફરજ પડતી નથી.
લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત થવાની જરૂરિયાત પર ભાર મૂકતા ડો.પટેલે ઉમેર્યું કે, આજકાલ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધવાની સાથે તેના નિદાન અને સારવાર પણ ઝડપી બન્યા છે. આજના ઝડપી યુગમાં લોકોને નાની ઉંમરે જ જીવનશૈલીને લગતા સ્થૂળતા, હાઈપર ટેન્શન, ડાયાબિટીસ જેવા અનેક રોગો થતાં હોય છે. જેથી રોજિંદા જીવનમાં ૩૦ થી ૪૫ મિનિટ ફરજિયાત વ્યાયામ અને પૌષ્ટિક આહારને સ્થાન આપવા અનુરોધ કર્યો હતો.
રોજેરોજ થતાં નવીનીકરણ અને આધુનિકરણના યુગમાં IMA ગુજ. અને સુરતના પૂર્વ પ્રમુખ ડૉ.ચંદ્રેશ જરદોષે લોકોને તણાવમુક્ત રહેવાની ટીપ્સ આપી ફેમિલી ડૉક્ટર, ફેમિલી ફિઝિશિયનનું મહત્વ સમજાવી લોકોને ફેમિલી ડૉક્ટર પાસે પ્રાથમિક નિદાન કરાવવા અને સાચી સલાહ મેળવવા પણ જણાવ્યું હતું. કારણ કે, પેઢીઓથી તમારા પરિવારને ઓળખતા, પરિવારના પ્રત્યેકની શારીરિક તાસીર સમજતા ફેમિલી ડૉક્ટર તમને સચોટ માર્ગદર્શન આપી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણને અપાતા પ્રોત્સાહનને પગલે વિદ્યાર્થીઓ પહેલાની સરખામણીએ વધુ પ્રમાણમાં તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવી રહ્યા છે. ત્યારે VNSGU મનેજમેન્ટ સમિતિના સભ્ય(મેમ્બર બોર્ડ ઓફ મેનેજમેન્ટ)ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજોમાં બેઠક સંખ્યાની જાણકારી આપી હતી. VNSGU હેઠળ સ્નાતક અને અનુસ્નાતક મળી કુલ ૧૮૫૯ સીટ છે. જેમાં ૪૩૨ અનુસ્નાતક અને ૧૪૨૭ સ્નાતક માટેની બેઠકો છે. સુરતની વાત કરીએ તો, ૪૦૬ પી.જી અને ૬૫૦ યુ.જીની બેઠકો છે. જ્યારે અન્ય ૮૦૩માં સિલવાસા, વલસાડ, ભરૂચ, નવસારી તેમજ રાજપીપલાની કોલેજોનો સમાવેશ થાય છે.


