વીજગ્રાહકોને ક્વિક રિસ્પોન્સ માટે DGVCLના સુરત સિટી સર્કલના પીપલોદ ડિવીઝનની ‘ઉર્જા કનેક્ટ’ સેવાને મળી ભવ્ય સફળતા
છેલ્લા પાંચ મહિનામાં ‘ઉર્જા કનેક્ટ’ સુવિધાથી સુરતના ૯,૬૬૦ વીજગ્રાહકોની માત્ર પાંચ મિનિટમાં ફરિયાદોનું નિવારણ થયું
ઉર્જા કનેક્ટ’થી વીજ ગ્રાહકોને રાહત: હવે વીજળીના કામ માટે લાઈનમાં ઊભા રહેવું પડતું નથી
વિજળી સંબંધિત તમામ સેવાઓ હવે એક જ ટેબલ પર ઉપલબ્ધ છે
DGVCL ની ‘ઉર્જા કનેક્ટ’ સેવાથી કામગીરી ઝડપી બની અને વીજગ્રાહકોની સુવિધામાં વધારો થયો
-: સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર ભરતભાઈ ગોધાણી

વીજગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ થાય, તેમના સમય અને ઉર્જાની બચત થાય તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.(DGVCL)ની પહેલ ‘ઉર્જા કનેક્ટ’ નામની ફ્રન્ટ ઓફિસ કોન્સેપ્ટ સુવિધા અત્યંત લોકપ્રિય બની છે. સુરત સિટી સર્કલના પીપલોદ ડિવીઝનના એક જ સેન્ટર પરથી તમામ પ્રકારની ફરિયાદોનું સમાધાન માત્ર પાંચ મિનિટની અંદર કરવામાં આવે છે. DGVCL ની સેવાને ટૂંકા ગાળામાં ભવ્ય સફળતા મળી છે. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ શરૂ કરાયેલી આ સેવા દ્વારા છેલ્લા પાંચ મહિનામાં ૯,૬૬૦ ગ્રાહકોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે.
સુરત સિટી સર્કલના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયરશ્રી ભરતભાઈ ગોધાણીએ જણાવ્યું કે, અગાઉ વીજગ્રાહકોને વિવિધ ઓફિસોમાં જઈને ફરિયાદ દાખલ કરવી પડતી હતી, પણ હવે ‘ઉર્જા કનેક્ટ’ સેવા થકી એક જ ટેબલ પરથી તમામ વીજસેવા મળી રહે છે. આ કોન્સેપ્ટમાં ગ્રાહકોને એક જ સ્થળે તમામ પ્રકારની વીજસેવા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
વધુમાં તેમણે કહ્યું કે, દરરોજ સવારે ૧૦:૨૦ થી સાંજના ૬:૧૦ દરમિયાન વીજબિલમાં ભૂલ, મીટર બદલાવ, વીજપૂરવઠાની સમસ્યા, નામ, એડ્રેસમાં સુધારો, નવા કનેકશન માટે અરજી વગેરે કામગીરી થાય છે. ગ્રાહકોને ટોકન આપી છ અલગ-અલગ ડેસ્ક પર સેવા આપવામાં આવે છે, જેના કારણે કોઈ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી.
DGVCLના ‘ઉર્જા કનેક્ટ’ દ્વારા ટેકનોલોજી અને ગ્રાહક સેવા વચ્ચે ઉત્તમ જોડાણ સ્થાપિત થયું છે.
ફક્ત પાંચ મિનિટમાં ફરિયાદનું નિવારણ: પ્રીતિબેન પટેલે DGVCL ની સુવિધાને બિરદાવી

જહાંગીરપુરાની સામર્થ્ય સોસાયટીના ૪૩ વર્ષીય વીજગ્રાહક પ્રીતિબેન પટેલે જણાવ્યું હતું કે, “હું પીપલોદમાં નવા મીટરની ટેસ્ટિંગ રિપોર્ટ અંગે ફરિયાદ લઈને આવી હતી. ફક્ત પાંચ મિનિટમાં જ મારી ફરિયાદનો ઉકેલ આવી ગયો. અગાઉ આવા એક કામ માટે અલગ અલગ ઓફિસોના ચક્કર મારવા પડતાં, જ્યારે હવે આ કામગીરી બહુ સરળ બની ગઈ છે. અહીં તમામ વીજસુવિધાઓ મળી રહી છે. મશીનથી ટોકન આપવામાં આવે છે. છ ડેસ્કમાંથી જે ડેસ્ક પર ટોકન નંબર આવે ત્યાં જઈને સીધો ઉકેલ મળે છે. સમય મુજબ DGVCL દ્વારા સરાહનીય પરિવર્તન કરવામાં આવ્યું છે. વીજગ્રાહકો માટે આવી સુવિધા બદલ DGVCLની ટીમને અભિનંદન આપ્યા હતા.
આભવા ગામના ઇન્દુબેન પટેલને સ્માર્ટ સર્વિસ સેન્ટરનો સુખદ અનુભવ થયો

આભવા ગામના વીજગ્રાહક ઇન્દુબેન પટેલે જણાવ્યું હતું કે, “મારે વીજબિલના નામમાં સુધારો કરાવવાનો હતો. જ્યારે મને ખબર પડી કે વેસુ પીપલોદના DGVCL ડિવિઝનમાં વીજગ્રાહકો માટે વિશેષ સેવા શરૂ થઈ છે, ત્યારે અહીં આવતા ફક્ત પાંચ મિનિટમાં જ બિલના નામમાં જરૂરી સુધારો થઈ ગયો. આ સેન્ટર દ્વારા ઝડપથી ફરિયાદોનું નિરાકરણ થાય છે અને ગ્રાહકોને કોઈ જ અડચણ પડતી નથી. DGVCLના તમામ સેન્ટરોમાં આ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી વધુ લોકો લાભ લઈ શકે.”


