આગામી તા.૧૨ જુલાઇના રોજ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન
નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા આગામી તા.૧૨/૭/૨૦૨૫ના રોજ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરાશે. જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડબેલના, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ હેઠળના, બેંકના નાણા વસુલાતના, મોટર અકસ્માતના, લેબર ડીમ્પ્યુટના, વોટર અને ઈલેકટ્રીસીટી બીલના(બિન સમાધાન પાત્ર સિવાયના), ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલના, લગ્ન વિષયક તકરારના, લેન્ડ એક્વીઝીશન એકટ અન્વયેના, સર્વિસ મેટરના(પગાર, ભથ્થા અને નિવૃત્તિ લાભો સબંધિત), રેવન્યુના અન્ય સિવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈ હુકમના દાવા, સ્પે. પર્ફોમન્સના દાવા.) સહિતની કેટેગરી હેઠળના વિવિધ કેસો હાથ પર લેવામાં આવશે.
લોક અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરતના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી આર.એ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ ફાયનાન્સીયલ ઈન્સ્ટીટયુશનના અધિકારીઓ, પેનલ એડવોકેટો, સુરત જિલ્લા બાર એસો. તથા સિટી બાર એસો.ના સહકારથી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો માટે પ્રી-લોકઅદાલત સિટિંગ તથા કન્સીલીએશન શરુ કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં નાણાકીય સંસ્થાઓ અથવા તો કોઈપણ પક્ષકાર દ્વારા દાખલ કરેલ અથવા તેઓ વિરુધ્ધ દાખલ થયેલ કેસ હાથ પર લેવાનાર છે. જેથી જે કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવા ઈચ્છતા હોય તેઓ જે અદાલતમાં તેઓનો કેસ પડતર હોય તે અદાલતનો અથવા તો, જે તે તાલુકાની તાલુકા કાનૂની સેવા સમિતિ કચેરીનો કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, અઠવાલાઈન્સ, સુરતની કચેરીનો સંપર્ક કરી શકે છે. લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષે જીતની શુભભાવના ઉત્પન્ન થાય છે. તથા બંને પક્ષકારો વચ્ચેની તકરારનો કાયમીપણે નિકાલ લાવી સુમેળભર્યા સંબંધો સ્થપાય છે. અને અન્ય થનારા ખર્ચથી પણ બચી શકાય છે. જેથી તમામ પક્ષકારોને લોક અદાલતનો લાભ લઈ પોતાની તકરારનો સુખદ અંત લાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, અઠવાલાઈન્સ, સુરતના સચિવશ્રી ડી.આર.જોષીની અખબારી યાદીમાં જણાવાયું છે.


