Traffic Tail

૨૬ મી જૂન: ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ’

SHARE:

૨૬ મી જૂન: ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ’

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પાલ ખાતે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ

 રાજ્યમાંથી ડ્રગ્સની બદીને નાથવી એ અમારા માટે એક ઝુંબેશ જ નથી, પ્રાથમિકતા પણ છે
 ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાઓને પકડવાની કામગીરીની સાથે ડ્રગ્સની કાર્ટેલના મૂળ સુધી જઈ રહી છે*
: *ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

પોલીસ અધિકારી-કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ડ્રગ્સ વિરોધી સંદેશ આપતા બેનરો, કટઆઉટ સાથે રેલીમાં જોડાયા
૨૬ જૂન-‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ’ નિમિત્તે સુરતવાસીઓને ડ્રગ્સના દૂષણ સામે જાગૃત્ત કરવા માટે સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પાલ ખાતે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ હતી. પાલ આર.ટી.ઓ. સર્કલ થી પાલ પોલીસ સ્ટેશન સુધી આયોજિત આ રેલીમાં પોલીસ અધિકારી-કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ‘સે નો ટુ ડ્રગ્સ, સે યસ ટુ સ્પોર્ટ્સ’, ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’, ‘કેફી પદાર્થનું સેવન એટલે વગર નિમંત્રણથી મોતને આમંત્રણ’, જીવનને કહો હા, ડ્રગ્સ દૂષણને કહો ના’ જેવા સંદેશ આપતા બેનરો, કટઆઉટ સાથે સમાજમાં ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવી હતી.
રેલીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સનું વ્યસન યુવાનોના ભવિષ્યને હાનિ પહોંચાડે છે અને તેમના સ્વાસ્થ્ય, કારકિર્દી અને સામાજિક જીવનને બરબાદ કરે છે. ડ્રગ્સ એ આપણું સૌથી મોટું સામાજિક દૂષણ છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાઓને પકડવાની કામગીરીની સાથે ડ્રગ્સની કાર્ટેલના મૂળ સુધી જઈ રહી છે. રાજ્યમાં ડ્રગ્સની બદીને નાથવી એ અમારા માટે એક ઝુંબેશ જ નથી, પ્રાથમિકતા પણ છે.
ડ્રગ્સના દૂષણ સામે લડવા અને યુવાનોને સ્વસ્થ અને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દેશના યુવાધનને ખોખલુ કરતા ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ સખ્ત પગલા લેવા પ્રતિબદ્ધ છે અને ડ્રગ્સ ડીલરો, માફિયાઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રાજ્યમાં ડ્રગ્સ વેચાણની મોટી કાર્ટેલના પર્દાફાશ કર્યા છે.
ડ્રગ્સના સકંજામાં ફસાયેલા યુવાનોના માતાપિતાની સાથે મળીને શહેર પોલીસ આવા યુવાનોને ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવા માટે કાઉન્સેલિંગ, સારવારની પણ સરાહનીય કામગીરી કરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
સુરત શહેર પોલીસ ડ્રગ્સના દુષણ સામે લડવા અને શહેરીજનો ખાસ કરીને યુવાધનને જાગૃત્ત કરવા છેલ્લા ચાર વર્ષથી ‘સે નો ટુ ડ્રગ્સ’ અભિયાન ચલાવી રહી છે એમ જણાવી યુવાનોને ડ્રગ્સના દૂષણથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે લોકોને માહિતગાર અને જાગૃત્ત કરવાના શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે આ રેલીનો હેતુ યુવાનો અને સમાજને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે એમ જણાવ્યું હતું.
રેલીમાં નાયબ પો. કમિશનર (સેક્ટર ૧) શ્રી વાબાંગ જમીર, નાયબ પો. કમિશનર (એસ.ઓ.જી. સુરત ક્રાઈમ બ્રાંચ) રાજદીપસિંહ નકુમ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી.ના પોલીસકર્મીઓ, એન.સી.બી.ના અધિકારી-કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!