સ્વચ્છતા હી સેવા
એક તારીખ, એક કલાક મહા-શ્રમદાન
સુરત જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી એક કલાક માટે મહાશ્રમદાન હેઠળ સ્વચ્છતા અભિયાન
પલસાણા તાલુકાના કડોદરા ખાતે જિલ્લાકક્ષાએ વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ મહાશ્રમદાનમાં જોડાશેઃ
ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી સુરત મહાનગરપાલિકા ખાતે આયોજીત શ્રમદાનમાં જોડાશેઃ
તા.૨જી ઓકટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો થશે.
ગામ-નગરોને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં જોડાવા નાગરિકોને અનુરોધ.
મેગા સ્વચ્છતા ઝુંબેશના ભગીરથ કાર્યમાં જનપ્રતિનિધિઓ, જિલ્લા/તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યો, સરપંચો અને ગ્રામ પંચાયત સભ્યો સહિતના આગેવાનો જોડાશે.
‘સ્વચ્છતા હી સેવા’ ની એક માસની ઉજવણી અન્વયે માન.વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન’ સૂત્ર સાથે સવારે ૧૦.૦૦ વાગે મેગા સ્વચ્છતા ઝુંબેશ થશે. આ અભિયાનમાં જોડાઇ માન.વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સ્વચ્છ ભારત-સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સુરત શહેર-જિલ્લાને વધુ સુદઢ અને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં ભાગીદાર બનવા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
સમગ્ર ભારત દેશમાં તા.૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન “ એક તારીખ એક કલાક મહાશ્રમદાન ’’ હેઠળ સ્વચ્છતાના ઝુંબેશ યોજાશે. આ અવસરે સુરત જિલ્લાના કડોદરા ખાતે વન અને પર્યવારણ મંત્રી મુકેશભાઈ પટેલ તથા તમામ ગામ તથા શહેરી વિસ્તારમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી તથા અન્ય તમામ વોર્ડ વાઈઝ લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન થશે. આ સ્વચ્છતાના કાર્યમાં ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ જોડાશે.
આ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં દરેક વોર્ડવાઈઝ, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ પર લગભગ ૩૫૫૦ વિવિધ સ્થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ થશે.
તા.૨જી એ પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગામોમાં પ્રભાત ફેરી, ગ્રામ સભા, રંગોળી સ્પર્ધા તથા સ્વચ્છતા અભિયાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
જિલ્લાના સૌ નાગરિકોને આ મહા-શ્રમદાનમાં જોડાવવા અપીલ કરવામાં આવે છે. જે થકી આપણે ઘર થી ગામ, ગામ થી તાલુકો, તાલુકા થી જિલ્લો, જિલ્લા થી રાજ્ય અને રાજ્ય થી આપણા ભારત દેશને સ્વચ્છ બનાવવા યોગદાન આપીએ. ચાલો આપણે સૌ આ સ્વચ્છતાની મુહિમમાં જોડાઈએ..


