Traffic Tail

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા જાગૃત્તિ અંગે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલના આયોજન અંગે બેઠક યોજાઈ

SHARE:

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા જાગૃત્તિ અંગે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલના આયોજન અંગે બેઠક યોજાઈ

આજે શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ (સ્મીમેર હોસ્પિટલની પાસે) અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે

સાંજે ૫.૦૦ વાગ્યે સાયરન વાગશે: રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેકઆઉટ (અંધારપટ) કરવામાં આવશે

કટોકટીની સ્થિતિ, યુદ્ધની સ્થિતિ, હવાઈ હુમલામાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ‘ઓપરેશન શિલ્ડ’નો આશય: જિલ્લા કલેક્ટર

બ્લેકઆઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવાનો અનુરોધ કરતા ઈ.પોલીસ કમિશનર વાબાંગ ઝમીર

રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન બ્લેક આઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મોકડ્રીલના આયોજનની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા.
કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે મોક એક્સરસાઈઝ વિષે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ માટે ફરી એક વાર મોકડ્રીલનું આયોજન થશે. આજે ૩૧મીએ શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ (સ્મીમેર હોસ્પિટલની બાજુમાં, બોમ્બે માર્કેટની સામે, ઉમરવાડા) અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે ૫.૦૦ વાગ્યે શહેરના મહત્વના સ્થળોએ બે મિનિટ માટે સાયરન વાગશે. રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેકઆઉટ (અંધારપટ) કરવામાં આવશે. બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઈટ્સ, ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની લાઈટ્સ, ઈન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખી બ્લેક આઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી હતી.
કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે એમ જણાવી કલેકટરશ્રીએ કહ્યું કે, લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાના સામૂહિક અભ્યાસ સાથે આમનાગરિકો માટે રક્ષાકવચ ઉભું કરી સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ હોવાથી સરકાર દ્વારા ‘ઓપરેશન શિલ્ડ’ નામ આપવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષા માટે સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જેવા યુવા વોલિન્ટીયર્સની સેવાઓ લેવી, દુશ્મનના વિમાની અને મિસાઈલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઈન, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરાશે.
ઈ.પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે કહ્યું કે, જાહેર સલામતીના હેતુ સાથે ઓપરેશન શિલ્ડ માટે પોલીસતંત્ર સજ્જ છે. બ્લેક આઉટ દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે. ઈમરજન્સી સેવાઓ, વાહન વ્યવહાર શરૂ રહેશે. લોકોએ ભયભીત ન થવા અને પ્રશાસનને સહયોગી બનવા અપીલ કરી હતી. રેસ્ક્યુ, બચાવ, રાહત માટે પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોને સતર્ક રાખવા માટે પોલીસ તંત્રની તૈયારીઓ વિષે વિગતો આપી હતી.
બેઠકમાં સુડાના CEO શ્રી કે.એસ.વસાવા, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઈસર, DCP (સ્પેશ્યલ બ્રાન્ચ) હેતલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, ફાયર, આરોગ્ય, મનપા, સિવિલ ડિફેન્સના પ્રતિનિધિઓ સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ વિષે યોગ્ય જાણકારી મેળવો

આ મોકડ્રીલ સમયે કોઈ પણ સહાય તથા સાચી માહિતી મેળવવા નાગરિકોએ (૧) સુરત શહેર પોલીસ કંન્ટ્રોલ રૂમ : ૦૨૬૧-૨૨૪૧૩૦૧ (૨) સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમ : ૦૨૬૧૨૬૫૧૮૪૦ (૩) જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ નં ૦૨૬૧-૨૬૬૩૨૦૦, ૨૬૬૩૬૦૦ નો સંપર્ક કરવો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!