જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનમાં મળી હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓની રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરશ્રીએ સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે ઉધના યાર્ડ પાસેની રૂપનગર સોસા.ની હનુમાન મહોલ્લામાં અશાંતધારાનો ચુસ્ત અમલ કરવા, ઉધનામાં પ્રોપર્ટી કાર્ડ માટે નિમાયેલી નવી એજન્સીની કામગીરી, પાંડેસરાના અંબિકાનગરમાં આંતરિક રસ્તાઓની સુવિધા આપવા અંગે રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ કલેકટરશ્રીએ યોગ્ય કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
બેઠકમાં ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીએ મક્કાઈપુલ પાસે રિવરફ્રન્ટની સામેની સરકારી જગ્યામાં ઝૂંપડપટ્ટીમાં દુકાનો,મકાનો દૂર કરી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરવા, ગંગાનગર સોસાયટી (જહાંગીરાબાદ) શારદા મહોલ્લો (પાલનપોર, અડાજણ) હેતલનગરને સૂચિત સોસાયટીમાં સમાવેશ કરવા, સ્ટાર બજાર આગળ મેટ્રો સ્ટેશન ઉપર આવાસ બનાવવાની મંજૂરી મળી છે, ત્યારે આ સ્ટેશન ઉપર કોમર્શીયલ ઉપયોગ થાય એવી વ્યવસ્થા અંગે રજૂઆત કરી હતી.
ઉપરાંત શ્રી મોદીએ એલ.પી.સવાણી રોડથી પાલનપુર જકાતનાકા સુધીના રોડ ઉપર મેટ્રો રેલના કામ દરમિયાન ડ્રેનેજ લાઈન તૂટી ગઈ હોવાથી ડ્રેનેજનું પાણી સ્ટ્રોમ ડ્રેનેજના ચેમ્બરમાં નિકાલ કરવામાં આવે છે, જેને તાકીદે બંધ કરાવવા, મેટ્રો રેલનું કામ પૂર્ણ થયું હોય ત્યાં રસ્તો પુરેપુરો ખુલ્લો કરવા, મેટ્રો રેલ બ્રિજ નીચે ફોર વ્હીલ, ટુ વ્હીલનું પાર્કિંગ બંધ કરાવવા તેમજ ૭૦ વર્ષની ઉપરના સિનીયર સિટિઝન્સ માટે વયવંદના કાર્ડ બનાવવામાં નામ મુજબ સ્પેલિંગ, કાર્ડ ડાઉનલોડ ન થવા જેવી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવાની પણ રજૂઆત કરી હતી. રાંદેર ઝોન પૂરવઠા કચેરીમાં સપ્તાહમાં બે દિવસ કામગીરી કરવામાં આવે છે, જેના સ્થાને લોકોની સરળતા માટે
દરરોજ કામગીરી થાય એવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પીસાદ, રાંદેર, ગોરાટ અને અડાજણ ગામની સોસાયટીઓઓના તમામ મિલકતદારોને પ્રોપર્ટીકાર્ડ મળે તેમજ ULC નાણા ભરવાની કાર્યવાહી પૂર્ણ કરનાર વિશ્વકર્મા સોસાયટીના સભ્યોને સત્વરે પ્રોપર્ટીકાર્ડ આપવાની કાર્યવાહી ઝડપભેર કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ ધારાસભ્યશ્રીની રજૂઆત સંદર્ભે વિભાગીય અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં મેયરશ્રી દક્ષેશ માવાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, સુડાના સી.ઈ.ઓ. કે.એસ વસાવા, પ્રાંત અધિકારીઓ, તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-






