સરસ મેળો-૨૦૨૫:સુરત
સુરતના સરસ મેળામાં વેચાણ અર્થે આવેલી કલકત્તાના જનની સખી મંડળની બહેનો ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે લાખોની કમાણી કરે છે
સરસ મેળામાં સુરતવાસીઓનો ‘ખૂબ સરસ’ સહયોગ મળ્યો, હવે હું દર વર્ષે આ મેળામાં આવીશઃ તિથિ વિશેષ
વિશ્વભરમાં પરફ્યુમનું બજાર હજારો-કરોડોનું છે. આજકાલ મોટાભાગના લોકો પરફ્યુમનો પણ ઉપયોગ કરે છે. પરફ્યુમની સુગંધથી સમગ્ર દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે, લગ્ન પ્રસંગોમાં ઉપયોગમાં આવતા વિવિધ અંત્તર, પરફયુમ્સની ભારે બોલબાલા રહે છે. ત્યારે મલ્ટીનેશનલ પરફ્યુમ ઉત્પાદક કંપનીઓ સામે સ્વદેશી ગૃહઉદ્યોગો પણ કાઠું કાઢી રહ્યા છે. ખાસ કરીને સખીમંડળની બહેનો પણ પોતાની મહેનત, સૂઝબૂઝ અને કલાના માધ્યમથી પરફ્યુમનું ઉત્પાદન કરી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે પશ્વિમ બંગાળની જનની સખી મંડળની બહેનો.
અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં કલકત્તાના નોર્થ પરગણામાંથી આવેલા તિથિ વિશેષ કહે છે કે, સરકારની સહાયથી અમે ૧૦ બહેનોએ સાથે મળીને જનની સખી ગ્રુપ બનાવ્યું છે. અમે કોઈ પણ જાતના કેમિકલ વિના પરફ્યુમ બનાવીને વેચાણ કરીએ છીએ. રજનીગંધા, ગુલાબ, ચંદન, વેનિલા, ચમેલી, જાસ્મીન, મોગરા, સુખડ જેવા ૩૪ પ્રકારના પરફ્યુમ બનાવીએ છીએ. જે ફ્લેવરનું પરફ્યુમ બનાવવાનું હોય તેને પ્રોસેસ કરીને અર્ક છુટો પાડીને સમગ્ર પ્રક્રિયા બાદ પરફ્યુમ તૈયાર થાય છે. અમારા અત્તરની સુગંધ દિવસભર રહે છે. 
તિથિ વિશેષ કહે છે કે, અમે રૂા.૧૫૦ થી લઈને રૂા.૬૫૦ સુધીના પરફ્યુમ ઉત્પાદિત કરીએ છીએ. સરકાર દ્વારા આયોજિત એક્ઝિબીશનમાં અમને વિનામૂલ્યે સ્ટોલ તથા રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેના કારણે અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
સુરતવાસીઓનો ‘ખૂબ સરસ’ સહયોગ મળ્યો, હવે હું દર વર્ષે આ મેળામાં આવીશ એમ જણાવી છ દિવસમાં રૂ.૫૦ હજારનું વેચાણ થઈ ચુકયું હોવાનું જણાવે છે. મોટા ભાગના પરફ્યુમ ખુટી પડતા ફરી મેં પ્લેન દ્વારા પાર્સલ મંગાવ્યું છે. સરકારનો આભાર વ્યકત કરતા ‘અમારી જેવી બહેનોને પ્લેટફોર્મ આપીને સાચા અર્થમાં આત્મનિર્ભર કરી છે’ એમ તેઓ જણાવે છે.





