સુરત એરપોર્ટ પર ઓટોરિક્ષાને પ્રવેશની મંજૂરી આપવા બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાની રજૂઆત
સુરત એરપોર્ટ પર ઓટોરિક્ષાને પ્રવેશની મંજૂરી આપવા બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાએ સુરત એરપોર્ટના નિદેશકને લેખિત રજૂઆત કરી છે. પ્રભુભાઈએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, ઝડપથી વિકસી રહેલા ઔદ્યોગિક શહેર સુરત તેમજ દક્ષિણમાં અનેક ઉદ્યોગ એકમો કાર્યરત છે. અન્ય રાજ્યો-દેશોમાંથી સુરત આવતા પ્રવાસીઓ તેમજ સુરતથી અન્ય રાજ્યો કે દેશોમાં અવરજવર કરતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જેમાં મધ્યમવર્ગના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તમામ વર્ગના લોકો વ્યવસાય, શિક્ષણ કે અન્ય વિવિધ કામસર સુરત એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટોમાં ઉડાન ભરે છે. હાલ સુરત એરપોર્ટ પર ઓટોરિક્ષાના પ્રવેશ પર પ્રતિબંધ છે જેથી અહીં આવતા મધ્યમવર્ગીય નાગરિકો ભારે અસુવિધા અનુભવી રહ્યા છે, આ અંગે સેંકડો પ્રવાસીઓ- નાગરિકોએ પોતાને રજૂઆત કરી છે, જેથી સુરત એરપોર્ટ પર રિક્ષાને પ્રવેશ માટે મંજૂરી મળે તે અતિ આવશ્યક છે.





