સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ની એક બેઠકની પેટા ચુંટણી માટે ચુંટણી અધિકારી દ્વારા ચુંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી
ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી-૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકશેઃ
રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા પેટા ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૧૮ની ખાલી પડેલી એક જગ્યા માટેની પેટા ચુંટણી યોજાનાર છે. જેથી સુરત મહાનગરપાલિકા વોર્ડનં.૧૮(લિંબાયત-પરવટ-કુંભારીયા)ના ચુંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી ડી.ડી.શાહ દ્વારા એક જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
નોટીસ અનુસાર દ્વારા વોર્ડ નંબર ૧૮ની ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મુકનાર અથવા તેને ટેકો આપનાર મારફતે ચુંટણી અધિકારી, સુરત મહાનગરપાલિકા, વોર્ડનં.૧૮ અને જિલ્લા પુરવઠા અધિકારી, સુરતની કચેરી, બી-બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ સુરત ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી, સુરત મહાનગરપાલિકા, વોર્ડનં.૧૮ અને મામલતદાર સુરત શહેર પુણા, પી.આર.ઓ. શાખા, બી-બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨ ખાતે (જાહેર રજાના દિવસ સિવાય) ઉમેદવારી પત્રો તા.૧/૨/૨૦૨૫ના સવારના ૧૦.૩૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીમાં પહોચાડી શકાશે. ઉમેદવારી પત્રના નમુના ઉપર જણાવેલા સ્થળેથી અને સમયે મેળવી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૩/૨/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેચવાની નોટિસ ઉમેદવાર અથવા ઉમેદવાર જેલમાં હોય અથવા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે આ અર્થે તેણે અધિકૃત કરેલ કોઈપણ વ્યકિત, જાતે ઉપર પરિચ્છેદ ૨માં નિર્દિષ્ટ કરેલ બે પૈકીના કોઈ એક અધિકારીને પોતાને તેની ઓફિસમાં તા.૪/૨/૨૦૨૫ના રોજ કચેરીના સમય દરમિયાન બપોરના ૩.૦૦ વાગ્યા પહેલા પહોચાડી શકાશે. ચુંટણી કરવાની થાય તો મતદાન તા.૧૬/૨/૨૦૨૫ના રોજ સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં થશે.





