મહુવા તાલુકાના કુમકોતર ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વસ્ત્ર પ્રસાદ સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો.
ધારાસભ્યના હસ્તે આદિમજુથના ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને વસ્ત્ર વિતરણ
સુરતઃશુક્રવાર: મહુવા તાલુકાના કુમકોતર ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વસ્ત્ર પ્રસાદ સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરના દિશાનિર્દેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને ધારાસભ્યના હસ્તે વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
આદિવાસી વિસ્તારના લોકોના વિકાસ માટે આદિમ જુથના લોકો માટે વિશેષ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમને ઓનલાઇન માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં વસ્ત્ર પ્રસાદ સેવા માટે તૈયાર કરાયેલા ખાસ વિડીયાનું નિદર્શન પણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ યોજના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી, તે આ વિસ્તારો માટે આધારરૂપ બની છે. રાજ્ય સરકારે આદિમ જૂથના કલ્યાણ માટે અનેક યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી છે. આ કાર્યક્રમ એ સેવાભાવ અને સામાજિક સુદ્રઢતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા માત્ર આદિવાસી સમાજના લોકોના જીવનમાં સુધારો થશે એટલું જ નહીં, પણ વિકાસના મહાપર્વમાં આ વિસ્તારોના લોકો પણ સહભાગી બનશે.
આ પ્રસંગે તા. પંચાયતના પ્રમુખશ્રી શીલાબેન પટેલ, મામલતદારશ્રી ઉમેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





