ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ દિવસ પખવાડિયું- યુવા સંમેલન
મહુવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી અને ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતમાં યુવા સંમેલન યોજાયું.

યુવાનોને ઉચ્ચ શિક્ષિત અને કુશળ બની આત્મનિર્ભર બનવાનો અનુરોધ કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા
આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધઃ જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયું’ની ઉજવણીના ભાગરૂપે મહુવા સ્થિત અસ્મિતા ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદી અને ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા ઉપસ્થિતિમાં યુવા સંમેલન યોજાયું હતું.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના સંગ્રામમાં અનેક શૂરવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. આવા મહાન ક્રાંતિકારીઓ અને જનનાયકોના યોગદાનથી નવી પેઢી પરિચિત થાય અને તેમના પ્રેરણાદાયી ઇતિહાસને જાણી શકે તેવા ઉમદા આશયથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ભગવાન બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજના જ નહીં, પરંતુ સમગ્ર દેશના મહાન જનનાયક છે. તેમના સંઘર્ષ, બલિદાન અને દેશપ્રેમની ગાથા સૌના માટે પ્રેરણારૂપ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત કાર્યરત છે. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના માધ્યમથી આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, પરંપરાઓ અને દેશના વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણી નવી પેઢીમાં સમાજના મહાન નાયકો પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રભાવનાની પ્રેરણા પૂરી પાડે છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ સહિત દરેક સમાજના છેવાડાના માનવીની ચિંતા કરી તેમને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આઝાદીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા જનનાયકો અને આદિવાસી સમાજના મહાન નાયકોને યાદ કરી તેમના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આયોજિત યુવા સંમેલનનો મુખ્ય હેતુ યુવાનોને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને મહાન નાયકોના યોગદાનથી પરિચિત કરાવવાનો છે. આજે આદિવાસી સમાજની દીકરીઓ પણ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે, જે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી આદિવાસી વિસ્તારોમાં વીજળી, આરોગ્ય, શિક્ષણ સહિતની પાયાની સુવિધાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચ્યા છે. શિક્ષણ ક્ષેત્રે પણ રાજ્ય સરકારના સહયોગથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પ્રગતિના નવા સોપાનો સર કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે યુવાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી, કૌશલ્યવાન બની આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાયોજના વહિવટદારશ્રી સિદ્ધાર્થ ગઢવી, પ્રાંત અધિકારીશ્રી મોસમી પટેલ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ, અંબિકા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન, જિલ્લા પંચાયત સભ્યશ્રી હેમંતભાઈ, જિલ્લા પંચાયત સભ્યશ્રી હિનાબેન પટેલ, મામલતદારશ્રી બી.વી.પટેલ, અંબિકા મામલતદારશ્રી ધવલભાઈ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા




