નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા પરીક્ષા સમિતિ’ની બેઠક યોજાઈ
વિદ્યાર્થીઓની મૂંઝવણ નિવારતી ‘પરીક્ષાસાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ હેલ્પલાઈન પુસ્તિકાનું વિમોચન
પરીક્ષા અગાઉ રિયલ ટાઈમ રિહર્સલ દ્વારા સંભવિત ટ્રાફિક અડચણોનો તાગ મેળવી અગાઉથી જ તેનું નિવારણ કરવું જરૂરી: નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી
બાળકો ભયમુક્ત વાતાવરણમાં કોઈ પણ અડચણ વિના પરીક્ષા પૂર્ણ કરી શકે તે માટે યોગ્ય આયોજન કરાયું છે: જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર
નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-સુરત દ્વારા ‘જિલ્લા પરીક્ષા સમિતિ’ની બેઠક યોજાઈ હતી. સુરત શહેર-જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું સફળ સંચાલન કરવાના હેતુસર વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો, ટ્રાફિક સંચાલન, પરીક્ષા દરમિયાન બાળકો માટે પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, પરીક્ષા સ્થળે CCTVની સુવિધા અને બાળકોની સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
અધિક કલેક્ટરશ્રીએ મેટ્રોની કામગીરીને કારણે ઉદ્દભવતી ટ્રાફિકની સમસ્યાનો ઉલ્લેખ કરી બાળકો નિયત સમયે પરીક્ષાકેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા પોલીસ વિભાગને જણાવ્યુ હતું. તેમજ પરીક્ષાના દિવસ પહેલા રિયલ ટાઈમ રિહર્સલ કરી સંભવિત ટ્રાફિક સમસ્યાનો તાગ મેળવી તેને અગાઉથી જ દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષા દરમિયાન ઉનાળાના સમયગાળાને ધ્યાને લઈ આગમચેતીના ભાગરૂપે પરીક્ષા સ્થળોની નજીકના આરોગ્ય કેન્દ્રોને ડિહાઈડ્રેશન માટેની જરૂરી દવાઓ અને ફર્સ્ટ એઈડની તમામ સુવિધાઓ તૈયાર રાખવા સૂચના આપી હતી. સાથે જ પરિક્ષાર્થીને પડતી કોઈ પણ મુશ્કેલીમાં સમયસર તેનું સમાધાન કરવા દરેક વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
જિલ્લાનાં દરેક પરીક્ષા કેન્દ્રો ૧૦૦ ટકા CCTVથી સજ્જ હોવાની જાણકારી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી ભાગીરથસિંહ પરમારે પરીક્ષાના આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. બાળકો ભયમુક્ત વાતાવરણમાં કોઈ પણ અડચણ વિના પરીક્ષા પૂર્ણ કરી શકે તે માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
‘પરીક્ષાસાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ પુસ્તિકાનું વિમોચન*
બેઠકમાં મહાનુભાવોના હસ્તે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘પરીક્ષાસાથી સાથે પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪’ હેલ્પલાઈન પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. જેમાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન વિષય કે પરીક્ષા સંબંધિત મૂંઝવણ, દબાણ કે માનસિક તણાવની સમસ્યા દૂર કરવા શિક્ષકો અને મનોચિકિત્સક સાથેની તજજ્ઞ માર્ગદર્શકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. યાદી અનુસાર નિયત ફોન નંબર અને સમય મુજબ વિદ્યાર્થીઓ તેમનો સંપર્ક કરી પોતાની મૂંઝવણનું નિરાકરણ મેળવી શકશે. ‘પરીક્ષા પે ચર્ચા’ હેલ્પલાઈન તા.૨૬ માર્ચ સુધી કાર્યરત રહશે. જેનો લાભ જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ https://suratdeo.org/ થકી સમગ્ર શહેર-જિલ્લાના વિદ્યાર્થીઓ લઈ શકશે.





