સુરતના વડોદ, પાંડેસરાની પ્રસૂતા માતા અને નવજાત બાળકને નવજીવન આપતી ૧૦૮ ઈમરજન્સી સેવા
એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી મહિલાને જીવના જોખમથી ઉગારી
સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની છે. ૧૦૮ની સમયસરની સારવારથી પ્રસૂતિ દરમિયાન વડોદ, પાંડેસરાની મહિલા અને તેમના નવજાત બાળકને નવજીવન મળ્યું છે. તા.૩૦મીએ બપોરે ૧.૦૦ વાગ્યે સુરતના વડોદ ગામ, પાંડેસરામાં રહેતા એક પરિવારની સગર્ભા મહિલાની પ્રસૂતિનો ઈમરજન્સી કોલ મળતા ગણતરીના સમયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી હતી. ૨૪ વર્ષીય મહિલાની આ બીજી પ્રસૂતિ હતી. ૧૦૮ સ્ટાફને નિદાન દરમિયાન જણાયું કે સગર્ભાને અસહ્ય દુ:ખાવો થઇ રહ્યો હતો. તેમને એમ્બ્યુલન્સની અંદર લેતા જ થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ વાનમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. અન્યથા નવજાત બાળક અને પ્રસૂતા માતાને જીવનું જોખમ ઉભું થઇ શકે તેમ હતું. જેથી સમયસૂચકતા વાપરી ૧૦૮ના મેડિકલ ટેકનીશીયન રાજેશભાઈ રાવળ તેમજ પાયલટ ગુલસિંગભાઈએ એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
નવજાત બાળકીના ગળામાં ગર્ભનાળ વિંટળાયેલી સ્થિતિમાં હોવાથી મેડિકલ ટેકનિશીયન દ્વારા નાળ છૂટી કરાયા બાદ ૧૦૮ ના મેડિકલ ટેકનિશીયને બાળકને ઈ.આર.સીપી ડો.જે ડી પટેલની સલાહ મુજબ મધર કેર અને યુટ્રીન મસાજ આપીને માતા-બાળકીને સુરક્ષિત રીતે નવી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. જ્યાં બંનેની તબિયત સ્થિર છે એમ ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું.



