Traffic Tail

કાંકરીયા ગામની સીમમાં કચરાના ઢગલામાં ભીષણ આગ: જાનહાનિ ટળી

SHARE:

કાંકરીયા ગામની સીમમાં કચરાના ઢગલામાં ભીષણ આગ: જાનહાનિ ટળી
અંબિકા/સુરત:-
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાંકરીયા ગામની સીમમાં આવેલી એક ખેતીલાયક પડતર જમીનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી.સદનસીબે ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર મળ્યા નથી.મળતી વિગતો અનુસાર, કાંકરીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા 50 વર્ષીય ખેડૂત મહમદ રસીદ સીદ્દાતની માલિકીની બ્લોક નં. 94 વાળી પડતર જમીનમાં આ બનાવ બન્યો હતો.આ જમીન ખાડા-ટેકરાવાળી હોવાથી તેને સમથળ કરવા માટે અંદાજે પાંચ મહિના પહેલા સુરત મહાનગર પાલિકાનો વેસ્ટેજ કચરો ખજોદ વિસ્તારમાંથી લાવીને અહીં નંખાવવામાં આવ્યો હતો.
આજે સવારે આશરે 8:00 વાગ્યાના અરસામાં જ્યારે મહમદ રસીદ તેમના ઘરે હાજર હતા ત્યારે દૂધ ડેરી પાસે ભેગા થયેલા ગ્રામજનો અને ગ્રામ પંચાયતના કર્મચારી સબ્બીરભાઇ દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે તેમની જમીન પર પડેલા કચરામાં આગ લાગી છે.આગની તીવ્રતાને જોતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.ખેડૂત મહમદ રસીદે અનાવલ પોલીસ સ્ટેશનમાં આપેલી જાણવા જોગ જાહેરાત મુજબ, આ આગ આકસ્મિક રીતે લાગી છે હોવાનું જણાવાયુ હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!