નવસારી જિલ્લામાં આવેલ દાંડી સત્યાગ્રહ સ્મારક: ભારતના સ્વતંત્રતા માટેના આંદોલનની જીવંત સ્મૃતિ અને પ્રવાસનનું મહત્વપૂર્ણ કેન્દ્ર
1 અને 2 મે 2026માં આયોજિત VGRC દક્ષિણ ગુજરાત દાંડી સ્મારક જેવા પ્રવાસન સ્થળોના વિકાસ માટે નવી તકોનું કરશે નિર્માણ
વર્ષ 2025માં 2 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી દાંડી સત્યાગ્રહ સ્મારકની મુલાકાત, જેના થકી સ્થાનિક આવકને મળ્યો વેગ

ભારતના સ્વાતંત્રતા આંદોલનમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું દાંડીનું રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક આજે માત્ર એક સ્મારક જ નથી, પરંતુ દેશભક્તિ, ઇતિહાસ અને આધુનિક પ્રવાસન વિકાસનું જીવંત પ્રતીક બની ગયું છે. મહાત્મા ગાંધી દ્વારા 1930માં કરવામાં આવેલા મીઠા સત્યાગ્રહની યાદમાં નિર્મિત આ સ્મારકને 30 જાન્યુઆરી, 2019ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
પ્રવાસી સુવિધા કેન્દ્રમાં ઇન્ટરએક્ટિવ ગેલેરી, ઓપન એર થિયેટર, પ્રદર્શન હોલ, લાઈબ્રેરી, પ્રાર્થના હોલ અને આધુનિક સુવિધાઓ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીએ જે સ્થળે તેમની ઐતિહાસિક 241 માઇલની પદયાત્રા પૂર્ણ કરી હતી, તે સ્થળ હવે અનુભવાત્મક પ્રદર્શનો અને ટકાઉ “સોલર ટ્રી” થી સજ્જ છે, જે સમગ્ર સંકુલને ઊર્જા પૂરી પાડે છે.
દાંડી સ્મારક દ્વારા નીચે મુજબના નવા આકર્ષણો રજૂ કરવામાં આવ્યા છે:
1. વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ટુર: મુલાકાતીઓ હવે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા 1930ની ઐતિહાસિક દાંડી કૂચના જીવંત દ્રશ્યોનો અનુભવ કરી શકશે.
2. ખાદી ભંડાર: અહીં પ્રવાસીઓ ખાદીની વસ્તુઓ ખરીદી શકે છે તથા સ્વદેશી ઉત્પાદનોના મહત્વને સમજી શકશે.
3. પર્યાવરણલક્ષી કેમ્પસ: આશ્રમ પરિસરમાં સંપૂર્ણપણે સ્વચ્છતા જાળવવામાં આવે છે અને ખાસ કરીને ગ્રીન એનર્જીથી પણ સજ્જ કરવામાં આવ્યો છે.
4. ફ્રીમાં ખાદીના વસ્ત્રો: અહીં મુલાકાતીઓને ખાસ કરીને ખાદીના ઝભ્ભા ફ્રીમાં આપવામાં આવે છે, જેના થકી મુલાકાતીઓ ખાદીનું મહત્વ સમજી શકે અને ફોટોગ્રાફી પણ કરી શકે.
સ્મારકના પ્રવક્તાએ જણાવ્યું કે, “દાંડી હવે માત્ર એક ઐતિહાસિક સ્થાપત્ય નથી; તે ગાંધી મૂલ્યોની જીવંત પ્રયોગશાળા છે. અમારી નવી ઇન્ટરેક્ટિવ સોલ્ટ-મેકિંગ ફેસિલિટી અને ઇમર્સિવ મ્યુરલ્સ (ભીંતચિત્રો) સાથે, અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે યુવાનોમાં સત્યાગ્રહની ભાવના જીવંત રહે. તથા દાંડીનું આ સ્મારક એક મહત્વનું તીર્થ સ્થાન બની રહ્યુ છે.”
વર્ષ 2025માં 2 લાખથી વધુ લોકોએ લીધી દાંડી સત્યાગ્રહ સ્મારકની મુલાકાત
ભારતના સ્વતંત્રતા સંગ્રામના પાયાના પથ્થર સમાન દાંડી આશ્રમે 1930ના મીઠાના સત્યાગ્રહના વારસાને જાળવી રાખવાના તેના મિશનમાં એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. વર્ષ 2026ની શરૂઆતમાં, અધ્યતન માળખાગત સુવિધાઓ અને ડિજિટલ સ્ટોરીટેલિંગ પહેલને કારણે, આશ્રમ અને તેની બાજુમાં આવેલા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે.
જાહેર જનતા માટે સ્મારક ખુલ્લું મુકાયા પછી સંખ્યાબંધ લોકો આ સ્મારકની મુલાકાત લેવા માટે આવે છે, જે તેની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. મળતા આંકડાઓ મુજબ, ગત વર્ષે 2,27,194 મુલાકાતીઓએ આ સ્મારકની મુલાકાત લીધી હતી. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ દાંડીને ગુજરાતના મહત્વપૂર્ણ હેરિટેજ અને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પસંદ કરી રહ્યા છે. તદુપરાંત નજીકમાં ફરવાલાયક સ્થળ દાંડી બીચ પણ આવેલું છે, જે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
સ્થાનિક અર્થતંત્રને વેગ
સ્મારકના વિકાસથી આસપાસના વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરાં, હસ્તકલા વેચાણ કેન્દ્રો, માર્ગદર્શક સેવાઓ અને પરિવહન ક્ષેત્રે રોજગારની નવી તકો સર્જાઈ છે. પ્રવાસન પ્રવૃત્તિઓ વધતા સ્થાનિક વેપારીઓ અને સેવાપ્રદાતાઓની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
સરકાર દ્વારા સ્મારકની સુવિધાઓમાં સતત સુધારા, ડિજિટલ ઇન્ટરપ્રિટેશન સેન્ટર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા નવી પ્રદર્શન ગેલેરીઓ ઉમેરવાની યોજનાઓ પર કાર્ય ચાલી રહ્યું છે, જેથી મુલાકાતીઓને વધુ સમૃદ્ધ અનુભવ મળી શકે. આ રીતે દાંડીનું રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દેશભક્તિની ભાવનાને જીવંત રાખતા સાથે ગુજરાતના પ્રવાસન વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
VGRC દક્ષિણ ગુજરાત દાંડી સ્મારક જેવા પ્રવાસન સ્થળોના વિકાસને આપશે નવી દિશા
ઉલ્લેખનીય છે કે, આગામી 1 અને 2 મે દરમિયાન સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન કરવામાં આવનાર છે. આ કોન્ફરન્સ દરમિયાન પ્રવાસન, હેરિટેજ સંરક્ષણ અને ઐતિહાસિક સ્થળોના વિકાસને લગતી નવી તકો અને નીતિગત પહેલો પર વિશેષ ચર્ચા થવાની છે, જે દાંડી જેવા સ્મારકોના ભવિષ્ય વિકાસ માટે નવી દિશા આપવામાં મદદરૂપ થશે.



