Traffic Tail

સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશનો પ્રારંભ

SHARE:


સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશનો પ્રારંભ

તા.૦૪ ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણા: ૦૭ ફેબ્રુઆરી-૨૦૨૬એ પ્રકાશિત થશે આખરી મતદાર યાદી

* આગામી એક મહિના સુધી બી.એલ.ઓ. તમામ ઘરોની મુલાકાત લેશે: જો પ્રથમવાર મતદાર ન મળે તો ત્રણ વખત તે મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે
* પ્રત્યેક મતદાતા નાગરિકોએ એન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) ફરજિયાતપણે ભરવું અને પરત આપવું જરૂરી:*
: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.સૌરભ પારધી

*જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ*
સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી ૦૪ ડિસેમ્બર સુધી એટલે કે એક મહિના સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવશે અને છ તબક્કામાં કામગીરી બાદ ૦૭ ફેબ્રુઆરી-૨૦૨૬એ આખરી મતદાર યાદી પ્રકાશિત થશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ કહ્યું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટેની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ના વિવિધ તબક્કાઓ અનુસાર તા.૦૪ નવે.થી ૦૪ ડિસે. દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને દરેક વર્તમાન મતદાર પાસે એન્યુમરેશન ફોર્મ (Efs-ગણતરી ફોર્મ) ભરાવશે અને ભરેલ ફોર્મ પરત મેળવશે. જો પ્રથમવાર મતદાર ન મળે તો ત્રણ વખત તે મતદારના ઘરની મુલાકાત લેશે ત્યારબાદ પરત મળેલા એન્યુમરેશન ફોર્મ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી (ERO/AERO) ને સબમિટ કરશે. ERO/AERO જેમના મત ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે તેવા તમામ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ કરશે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં ૯ ડિસેમ્બર-૨૦૨૫ ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરાશે. ચોથા તબક્કામાં જેમના નામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી જે મતદારોના નામ મતદાર યાદીમાં હોય પણ ફોર્મ ભર્યા ન હોય તેવા મતદારોને નોટિસ આપશે, આ સમયગાળામાં મતદારો સુધારા માટેનો દાવો, વાંધા અરજી કરી શકશે. પાંચમાં તબક્કામાં ERO/AERo ૯ ડિસેમ્બર-૨૦૨૫ થી ૩૧ જાન્યુઆરી-૨૦૨૬ દરમ્યાન પાત્રતા ચકાસવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી આવા કેસોની સુનાવણી કરશે અને તેમના નામ અંતિમ યાદીમાં સમાવિષ્ટ કરવા કે બાકાત રાખવા અંગેનો નિર્ણય કરશે.
વધુમાં મતદારની ERO ના નિર્ણય સામેની પ્રથમ અપીલની સુનાણી જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએ તથા જિલ્લા મેજિસ્ટ્રેટના નિર્ણય સામેની બીજી અપીલની સુનાવણી મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીના કક્ષાએ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે છઠ્ઠા અને અંતિમ તબક્કા અંતર્ગત તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એમ જણાવ્યું હતું,
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, કાયદા મુજબ દરેક ચૂંટણી પહેલા અથવા જરૂરિયાત અનુસાર મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે. છેલ્લી SIR પ્રક્રિયા ૨૧ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૨-૨૦૦૪ માં કરવામાં આવી હતી. SIR ની મુખ્ય પ્રક્રિયાઓ તેમજ SIR શા માટે જરૂરી છે તે અંગે પણ જિલ્લા વહીવટીતંત્રએ રાજકીય પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે.
આ ઝુંબેશના ભાગરૂપે તા.૨૮ ઓક્ટો.થી ૩ નવે. દરમિયાન તમામ બી.એલ.ઓ.ને તાલીમ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કુલ મળીને ૫૫૦૦ અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે, જરૂર પડ્યે ખાનગી સ્વયંસેવકોની સેવા પણ લેવામાં આવશે.
કલેકટરશ્રીએ જાહેર જનતાને અનુરોધ કરતા કહ્યું કે, આગામી એક મહિના દરમિયાન તમારા ઘરે આવનાર બી.એલ.ઓ. પાસેથી પ્રત્યેક મતદાતા નાગરિકોએ એન્યુમરેશન ફોર્મ ફરજિયાતપણે ભરવું અને ફોર્મ પરત આપવું. ફોર્મ ભરીને પરત ન આપનાર મતદારનું નામ આખરી મતદાર યાદીમાં સામેલ થઈ શકશે નહીં.
પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!