વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત બારડોલી ખાતે પર્યાવરણ જતન અને સંરક્ષણ હેતુ માટે વિવિધ જનજાગૃત્તિ ડ્રાઈવ યોજાઈ

વર્ષ ૨૦૨૫ની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ‘વિશ્વ કક્ષાએ પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત’ હેઠળ થઈ રહી છે, ત્યારે સુરત જિલ્લામાં ગામેગામ પર્યાવરણ દિવસની પખવાડિક ઉજવણી કરાઇ હતી. જેના ભાગરૂપે બારડોલી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી વિવિધ પ્રવૃત્તિઓ કરાઇ હતી, જેમાં પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ સ્વરૂપે સ્વસહાય જૂથોની બહેનો દ્વારા નિર્મિત કપડાંની ૩૦૦ થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
સાથે જ બારડોલી કન્યા છાત્રાલયમાં વિશ્વ પર્યાવરણ દિવસ વિષય પર નિબંધ સ્પર્ધા, તેમજ પ્લાસ્ટિકમુક્ત શહેર અભિયાન અંતર્ગત ધુલિયા ચોકડી પર આરોગ્યકર્મીઓ દ્વારા પ્લાસ્ટિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસે ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર, નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનો, સભ્યો અને વિવિધ અધિકારી-કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી લોકોને વધુમાં વધુ વૃક્ષો ઉગાડી તેનું જતન કરવાનો સંદેશ આપ્યો હતો.






