Traffic Tail

ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ખાન-પાનમાં સુધારો કરી મેદસ્વિતાને દૂર કરીએ

SHARE:

‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’
ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ખાન-પાનમાં સુધારો કરી મેદસ્વિતાને દૂર કરીએ

બે ભાગ અનાજ, એક ભાગ પાણી અને એક ભાગ હવા માટે રાખી ૧૦% ભૂખ્યા રહેનાર વ્યક્તિ મેદસ્વિતા સામે લડી શકે છે

તલના તેલનો ઉપયોગ પાતળા માણસને જાડા અને જાડાને પાતળા કરી શકવા સક્ષમ છે
આધુનિક સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. વધારે વજનને કારણે શરીરમાં અનેક સમસ્યા થવા લાગે છે, અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે. તેવામાં મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે. હવે રાજ્ય સરકારે આ માટે ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ નામે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ચાલો જાણીએ આપણી પરંપરાગત ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા મેદસ્વિતા સામે કેવી રીતે લડી શકાય.
સુરત જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી મિલન દશોંદી જણાવે છે કે, આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે. આ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન એ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો મૂળ પાયો પણ છે. આયુર્વેદનો મૂળ હેતુ સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ છે. એટલે કે માત્ર બિમારની બિમારી દૂર કરવી અને સાથોસાથ સ્વસ્થ વ્યક્તિ હંમેશા તંદુરસ્ત જ રહે તે આયુર્વેદનો મુખ્ય ધ્યેય છે.
વર્તમાન સમયમાં એન.સી.પી એટલે કે નોન કોમ્યુનિકેબલ ડીસીઝ એટલે ચેપ વગરની બીમારીઓ વધી રહી છે. જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ સામેલ છે. મેદસ્વિતાના કારણોમાં સૌથી પહેલું અને મોટું કારણ બેઠાડું જીવન અને કસરતનો અભાવ મુખ્ય છે. જેથી આ દિશામાં પગલાં લઈ રાજ્ય સરકાર જનહિતમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું એક મહત્વનું પગલું લઈ રહી છે..
વધુમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જણાવે છે કે, વજનનો અર્થ જ ‘વ’ એટલે *વધારે પડતું*, ‘જ’ એટલે *જમવું* અને ‘ન’ એટલે *નહીં*, એટલે કે ‘વધારે પડતું જમવું નહીં’ એવો થાય છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ જમવાની એક પદ્ધતિ છે, જેના દ્વારા મેદસ્વિતા ઘટાડી શકાય છે. આ પદ્ધતિ પ્રમાણે બે ભાગ અનાજ, એક ભાગ પાણી અને એક ભાગ હવા માટે રાખવો એટલે કે ૧૦ % ભૂખ્યા રહેવું, ખૂબ પેટ ભરીને ન જમવું તે હિતાવહ છે. તેમણે ઉમેર્યું કે, તલના તેલના ઉપયોગથી મેદસ્વિતા સામે લડવામાં ઘણી મદદ મળે છે, જેનું કારણ એ છે કે, તલનું તેલ પાતળા માણસને જાડા કરવા અને જાડાને પાતળા કરી શકવા સક્ષમ છે, ઉપયોગી છે.
ચરક સંહિતા સૂત્રસ્થાનમાં પણ આઠ નિંદનીય એટલે કે એબનોર્મલ મનુષ્યના વર્ણન છે. જેમાં એક અતિશય ગોરો, બીજો અતિશય કાળો, ત્રીજો અતિશય નીચો, ચોથો અતિશય ઊંચો, પાંચમો અતિશય રુંવાટીવાળો, છઠ્ઠો સાવ રુંવાટી વગરનો, સાતમો વધુ પડતો વધારે પાતળો અને આઠમો વધુ પડતો જાડો મનુષ્ય એબનોર્મલ એટલે કે નિંદનીય ગણાય છે.
સ્થુળતા ઘટાડવી ખૂબ જ જરૂરી છે, જ્યારે શરીરમાં કોઈ પણ રોગ થાય ત્યારે પાતળા મનુષ્યને ઓછું નુકસાન અને ઓછી તકલીફ વેઠવી પડે છે, જ્યારે મેદસ્વી વ્યક્તિએ કોઈપણ બીમારીમાં અન્ય કરતાં વધારે હેરાન થવું પડે છે, અને કોઈપણ બીમારીનો ઈલાજ સહેલાઈથી થઈ શકતો નથી. સ્થુળતાની સીધી અસર અસ્થિ એટલે કે હાડકા પર થાય છે, જેમ સ્થૂળતા વધે તેમ હાડકા નબળા પડે છે, અને શરીર રોગોનું ઘર બનતું જાય છે. માટે સરકારના આ અભિયાનમાં જોડાઈ સ્થૂળતા સામે લડવા પણ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!