ઓલપાડના સરસ ગામના પ્રાકૃતિક ખેતી કરતા કલ્પેશભાઈ પટેલે કેળાની ખેતીમાં મુલ્યવર્ધન કરીને વર્ષ દહાડે લાખોનું વેચાણ કરી રહ્યા છેઃ
સરકારે અમારા માટે બજારની વ્યવસ્થા ઉભી કરી છે જે બદલ આભાર વ્યકત કરતા કલ્પેશભાઈ પટેલઃ
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સરકાર મિશન મોડ પર કાર્ય કરી રહી છે ત્યારે સુરત જિલ્લાના યુવા ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે તેનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે ઓલપાડ તાલુકાના સરસ ગામના કલ્પેશભાઈ રમણભાઈ પટેલ.
વેસુ ખાતે ખુલ્લા મુકવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ બજારમાં પોતાની ખેતપેદાશો લઈને આવેલા કલ્પેશભાઈ પટેલ જણાવે છે કે, હું છેલ્લા છ વર્ષથી આ ખેતી કરી રહ્યો છું. ખાસ કરીને પ્રાકૃતિક કેળાની ખેતી કરીને વર્ષ દહાડે લાખોનું ઉત્પાદન મેળવું છું. સાથે સાથે કેળામાંથી મુલ્યવર્ધન કરીને વેફર, અજીર ચોકલેટ બનાવીને વેચાણ કરે છે. તેઓ કહે છે કે, આજે રાજયપાલ મારી સાથે વાતચીત કરીને મારા પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણ્યા હતા. આ ખેતી અપનાવીને મારા પરિવારની સ્વાસ્થ્યની સાથે લોકોને પણ ઝેરમુકત ખેતપેદાશ આપી રહ્યો છું તેનો ગર્વ છે. શાકભાજી, ફળોના વેચાણ માટે બજારની વ્યવસ્થા ઉભી કરવા બદલ કલ્પેશભાઈએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.




