એક વર્ષથી પરિવારથી અલગ રહેતી અને એકલવાયુ જીવન જીવતી દીકરીને તેના માતા સાથે મિલન કરાવતું સુરતનું “સખી”વન સ્ટોપ સેન્ટર  

SHARE:

એક વર્ષથી પરિવારથી અલગ રહેતી અને એકલવાયુ જીવન જીવતી દીકરીને તેના માતા સાથે મિલન કરાવતું સુરતનું “સખી”વન સ્ટોપ સેન્ટર
 
એક સમયે દરિયામાં કુદીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર દીકરીને રાજય સરકારના સખી વન સ્ટોપ સેન્ટરે આશરો આપીને માતા સાથે મિલન કરાવીને માનવતા મહેકાવી
 
મહારાષ્ટ્ર રહેતા પરિવારે દીકરીને સ્વીકારવાનો ઇન્કાર કર્યો, પરંતુ સખી વન સ્ટોપ સેન્ટરના સમજાવટથી કાઉન્સેલિંગ કરતા માતા સુરત આવ્યા: સેન્ટરનો સ્ટાફ માતા-પુત્રીના પુન:મિલનનો સાક્ષી બન્યો
ભારત સરકાર દ્વારા પુરસ્કૃત તેમજ મહિલા અને બાળ વિભાગ-ગુજરાત સરકાર દ્વારા એક જ સ્થળેથી હિંસાપીડિત મહિલાઓને મદદ પૂરી પાડવાની કેન્દ્ર સરકારની યોજના એટલે ‘સખી વન સ્ટોપ સેન્ટર’. આ કેન્દ્ર દ્વારા મહિલાઓને આપત્તિના સમયે આધારરૂપ મદદ અને આશ્રય પૂરા પાડવામાં આવે છે.
સુરત જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે તાજેતરમાં મહારાષ્ટ્રમાં જલગાંવમાં રહેતા ૨૧ વર્ષીય અરજદાર લક્ષ્મી(નામ બદલ્યું છે)ને માતા-પિતા લગ્ન માટે દબાણ કરતા હોય અને દીકરીને લગ્ન કરવાની ઈચ્છા ન હોવાથી તે ઘરેથી કોઈને જણાવ્યા વગર નોકરી કરીને એકલા જીવી લેવાના ઇરાદે સુરતમાં આવી પહોંચી હતી. એક વર્ષથી સુરતમાં પીજીમાં રહી અલગ-અલગ જગ્યાએ નોકરી કરતા હતી. ત્યારબાદ નોકરી છૂટી જતા બીજી નોકરી માટે ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ કોઈ નોકરી ન મળતા હારી-થાકીને હવે શું કરવું ? તેવા મૂંઝવણમાં મૂકાઈ હતી. આખરે તેણે જીવન ટૂંકાવી લેવાના ઇરાદા સાથે ડેટોલ પીને ડુમસ દરિયામાં કૂદી પડી હતી. આજુ-બાજુના લોકોને તત્કાલ જાણ થતા ડુમસ પોલીસનો સંપર્ક કરી દરિયામાંથી બચાવી લીધી હતી. સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ત્રણ દિવસ સુધી તાત્કાલિક સારવાર અપાવ્યા બાદ લક્ષ્મીનો જીવ બચ્યો હતો.
લક્ષ્મીએ આ અગાઉ દોઢ વર્ષ પહેલાં “સખી” વન સ્ટોપ સેન્ટરમાં પાંચ દિવસ આશ્રય લીધો હતો. જેથી ફરીથી કોઈક રસ્તો અવશ્ય મળી રહશે એવું વિચારીને જાતે સેન્ટર ખાતે માર્ગદર્શન માટે આવ્યા હતા. તેને સંપૂર્ણ આરામ અને સ્ટ્રેસ-ફ્રી થયા બાદ સેન્ટરના સ્ટાફ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરતા હકીકત જણાવી હતી. જેમાં માતા-પિતા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હોવાનું અને પરિવારમાં બીજું કોઈ ન હોય તેવું વારંવાર જણાવ્યુ હતું. પરંતુ સેન્ટરના સ્ટાફને તેમની વાત ઉપર વિશ્વાસ ન આવતા મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી લક્ષ્મીના માતા-પિતા વિશે વધુ જાણવા માટે પ્રયત્નો શરૂ કર્યા. આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે તેના પિતાનો સંપર્ક નંબર મેળવી આપ્યો. સેન્ટરના સ્ટાફે પિતાનો સંપર્ક કરી દીકરીને સમગ્ર ઘટના વિષે જાણ કરીને સુરત બોલાવ્યા હતા. પરંતુ દીકરીના માતા-પિતાએ દીકરીને સ્વીકારવાની ના પાડી હતી. તેમ છતાં સેન્ટરના સ્ટાફે માતા-પિતા સાથે સતત ૬ દિવસ સુધી વારંવાર ટેલિફોનીક વાતચીત અને કાઉન્સેલિંગ કરી સમજાવતા તા. ૨૪ નવે. ના રોજ દીકરીના માતા દીકરીને લેવા માટે સંમત થયા હતા અને સખી વન સ્ટોપ સેન્ટર પર આવ્યા હતા. દોઢ વર્ષ પછી આ રીતે માતા અને દીકરીનું પ્રત્યક્ષ મિલન થતાં દીકરી અને માતા બંને ચોધાર આંસુએ રડીને મળ્યા હતા. સેન્ટરનો સ્ટાફ પણ માતા-પુત્રીના પુન:મિલનનો સાક્ષી બન્યો હતો.
આમ, છેલ્લા દોઢ વર્ષથી પરિવારથી અલગ થયેલ અને એકલવાયું જીવન જીવતી અને મોતના મુખમાંથી પરત આવેલી લક્ષ્મીને તેના માતા સાથે મિલન કરાવી કુટુંબમાં પુનઃસ્થાપન કરાવવામાં “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓને સાત દિવસના પ્રયત્ન બાદ સફળતા મળી હતી.
આમ, મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી-સુરતના માર્ગદર્શન હેઠળ લક્ષ્મીને પરિવાર સાથે મિલન કારાવવામાં સખી વન સ્ટોપ સેન્ટર-સુરતના પ્રયાસો સફળ બન્યા હતા. માતા-પિતાએ મહિલા અને બાળ અધિકારી- દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, તેમજ ડુમસ પોલીસ સ્ટાફ અને સેન્ટરના કર્મચારીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!