કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે.
સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમર ફરજીયાતની જોગવાઇ દુર કરાઈ
સુરત જિલ્લાના ૧૯૯૫૨ દિવ્યાંગજનોને ‘એસ.ટી બસમાં મફત મુસાફરી માટે આઇ.ડી કાર્ડ’ની સુવિધા
દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩જી ડિસેમ્બરે “વિશ્વ દિવ્યાંગ દિવસ” મનાવવામાં આવે છે. વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓનાં માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગરૂકતા વધારવાનો છે.
શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપ્યું છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ને પણ પસાર કર્યો છે, જેના દ્વારા દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત કરી છે.
રાજ્ય સરકારના દિવ્યાંગો માટેના વિવિધ કલ્યાણકારી નિર્ણયો
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘યુનિવર્સલ આઈ.ડી કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ આઈ.ડી. કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ ભવિષ્યમાં દિવ્યાંગ યોજનાઓનો લાભ મેળવી શકશે.રાજય સરકારની એસ.ટી બસમાં દિવ્યાંગ મફતમાં મુસાફરી કરી શકે તે માટે દિવ્યાંગોને મફત મુસાફરી માટેનો બસ પાસ ઇસ્યુ કરવામાં આવે છે. તેમનો આ પાસ પણ હવેથી આજીવન માન્ય રાખવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં ૧૯૯૫૨ દિવ્યાંગોને બસમાં મફત મુસાફરી માટેના આઈ.ડી.કાર્ડ એનાયત કરાયા છે.
સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષ ફરજીયાતની જોગવાઇ દુર કરાઈ
સંતસુરદાસ યોજનામાં ૮૦%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મેળવવા માટે બી.પી.એલ કાર્ડ ધારક તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમર હોવી જરૂરી હતી જેને દુર કરાઈ છે. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં મફત મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને ૧૦૦% મફત મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧૦૦૦ સહાય અપાઈ છે. સુરત જિલ્લામાં ચાલુ વર્ષે ૩૧૭૫ દિવ્યાંગોને રૂા.૧.૮૧ કરોડની સહાય ચુકવવામાં આવી છે.
એસ.ટી બસમાં મુસાફરીનો પાસ તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય
દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પાસ હવે જીવનભર માન્ય રહેશે. આ પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાઃ
દિવ્યાંગજનોને લગ્ન સહાય હેઠળ રૂા.૫૦ હજારની સહાય અને બન્ને દંપતિ દિવ્યાંગ હોય તો રૂા.એક લાખની સહાય એનાયત કરવામાં આવે છે. સુરત જિલ્લામાં વર્તમાન વર્ષે ૩૩ દિવ્યાંગોને રૂા.૧૬.૫૦ લાખની લગ્ન સહાય આપવામાં આવી હતી.
દિવ્યાંગ વ્યકિતઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના
દિવ્યાંગજનનોને ધો.૧ થી ૮ સુધી અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ રૂા.૧૦૦૦ તથા ધો.૯થી વધુ અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂા.૧૫૦૦ થી ૫૦૦૦ સુધીની આપવામાં આવે છે. સુરત જિલ્લામાં ૨૩૩ લાભાર્થીઓને રૂા.૩.૮૦ લાખની સહાય ચુકવવામાં આવી છે.
દિવ્યાંગ વ્યકિતના કુટુંબીજનને વિમા સહાય યોજના
જો કોઈ દિવ્યાંગના અકસ્માતના કિસ્સામાં તેમના પરિવારજનોને રૂા.એક લાખની સહાય એનાયત કરવામાં આવે છે.
સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’ રાખવામાં આવી છે. આમ દિવ્યાંગો સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકે છે.





