સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘અખિલ ભારતીય લેખક સંમેલન’ ઓરિસ્સાના ભૂવનેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલન દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી તાપી જિલ્લાના ઉંચામાળા ગામના વતની અને આણંદની એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ ખાતે અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. માનસિંગ ચૌધરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
તેઓએ ચૌધરી ભાષામાં સ્વરચિત કવિતાઓ રજુ કરીને ભારતભરમાંથી આવેલા સાહિત્ય પ્રેમીઓની વાહવાહી મેળવી હતી. ડૉ. માનસિંગ ચૌધરી પોતાની જન્મભાષા ‘ચૌધરી’ ના જતન માટે ઘણાં વર્ષોથી કાર્યરત છે. ચૌધરી ભાષામાં કવિતાઓ લખી એમણે બે કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય અંગેનાં પણ આઠ જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે. વિવિધ સામયિકોમાં એમનાં કાવ્યો પ્રકાશિત થયાં છે તેમજ આદિવાસી સંબંધિત વાર્તાલાપો ઑલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયા છે. ડૉ. માનસિંગ ચૌધરીએ દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસીઓની ચૌધરી ભાષાને ભારતભરમાં ગૌરવશાળી રીતે રજૂ કરતાં ચૌધરી આદિવાસી સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
-કુલીન.પટેલ




