‘કાછલ ગામ ચૌધરી સમાજ બંધારણ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું’
મહુવા તાલુકાના કાછલ ગામે ચૌધરી સમાજના સામાજીક સુધારા અંગેનું ૩૩ મુદ્દાઓ વાળુ “આદિવાસી ચૌધરી સમાજનું બંધારણ” બનાવવામાં આવ્યું હતું. આ બંધારણ બનાવ્યાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે આજરોજ “કાછલ ગામ ચૌધરી સમાજ બંધારણ” નામની બંધારણની પુસ્તિકાનું બંધારણ સમિતિના સભ્યો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતીમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકાના કાછલ ગામે વર્ષ ૨૦૨૨માં મે મહિનામાં ચૌધરી સમાજના સામાજીક સુધારા અંગેનું ૩૩ મુદ્દાઓ વાળુ “ આદિવાસી ચૌધરી સમાજનું બંધારણ” બનાવવામાં આવ્યું હતું જેને સમગ્ર ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજ સહિત અન્ય તમામ સમાજોમાં ખૂબ નોંધ લેવાઈ હતી અને બંધારણની સરાહના કરી હતી. આ બંધારણના ૩૩ મુદ્દાઓમાં મુખ્યત્વે ચૌધરી સમાજની સગાઈવિધિ(પીણું) સમાજની રીતિ રિવાજો મુજબ જ કરવુ અન્ય વિધિથી કરવું નહીં,સગાઇમાં કેક કાપવી નહીં, સગાઈમાં સોનાની વીંટી પહેરાવવી નહીં, લગ્નપ્રસંગ દરમ્યાન કન્યાને ચૌધરી સમાજના રીતિરિવાજો મુજબ ફરજીયાત ચાંદીનું જ મંગળસૂત્ર પેહરાવવું, લગ્નપ્રસંગ નિમિત્તે રાતે ૧.૩૦ કલાક સુધી જ ડીજે/ બેન્ડ વગાડવું, મરણ બાદ વરસીની વિધિ કરવી નહીં જેવા કુલ ૩૩ મુદ્દાઓનું કાછલ ગામનું ચૌધરી સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું હતું.
આજરોજ કાછલ ગામે ગ્રામ પંચાયત કાછલના મકાનમાં ગામના સરપંચશ્રી કલ્પનાબેન ચૌધરી કાછલ ગામ ચૌધરી સમાજ બંધારણ સમિતિના પ્રમુખશ્રી રવિન્દ્રભાઈ ચૌધરી ઉપ-પ્રમુખશ્રી નરેનભાઈ ચૌધરી તેમજ બંધારણ સમિતિના સભ્યોશ્રીઓ અને ગ્રામજનોની હાજરીમાં આ બંધારણની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બંધારણની પુસ્તિકા કાછલ ગામના ચૌધરી સમાજના દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવશે તેમજ આ બંધારણની પુસ્તિકા ગ્રામજનો ખૂબ માન-સન્માનથી આદર ભાવથી જાળવણી કરશે અને બંધારણમાં સમાવિષ્ટ ૩૩ મુદાઓનું શબ્દશહ પાલન કરીને બંધારણનું માન જાળવશે અને જ્યાં સુધી કાછલ ગામનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ બંધારણ કાછલ ગામના ચૌધરી સમાજના ઘરોમાં અમલી બની રહેશે એ મુજબની બંધારણ સમિતિ દ્વારા આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી જેને હાજર રહેલા સૌ ગ્રામજનોને સહર્ષ આવકારી લીધું હતું અને બંધારણની પુસ્તિકાનું વિમોચન થતાં ગ્રામજનોએ ખૂબ ઉત્સાહથી આ પ્રસંગને વધાવી લઈને અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો.





