આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ દેશ માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરનારા નાયકો, શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે મહુવા તાલુકામાં ધારસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

શિલાફલકમ, વસુધા વંદન, વીરોને વંદન, રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન અને પંચ પ્રણ પ્રતિજ્ઞાને આવરી લેતી પાંચ થીમ આધારિત આ કાર્યક્રમની મહુવા ખાતે ઉત્સાહભેર ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ અને પોલીસ જવાનોએ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
શહીદ વીરોના પરિવારજનોના સન્માન સાથે જ ઉપસ્થિત ગ્રામજનોએ સેલ્ફી લીધી હતી, અને ઉત્તરોઉત્તર રાષ્ટ્રનાં વિકાસમાં પોતાની જવાબદારીનું વહન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ કરી અંતે રાષ્ટ્રગાનની ધૂન પર તિરંગો ફરકાવી ધ્વજવંદન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગીય અધિકારી/કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




