Traffic Tail

સાવધાન શું તમારા પર આવો ફોન કે મેસેજ આવ્યો છે?મહુવાની ત્રણ યુવતીઓના બેંક એકાઉન્ટ થયા ખાલી જુઓ આ અહેવાલ….

SHARE:

વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ એટલે ઈન્ટરનેટ આ ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટનું માધ્યમ ખુબજ ઉપયોગી છે. પરંતુ તેની સાથે સાથે ઘણા ગેરફાયદાઓ પણ છે. ખાસ કરીને ઈન્ટરનેટના માધ્યમથી લોકો સાથે ઓનલાઈન ચિટિંગ થવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો મહુવા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. મહુવા તાલુકાના બારતાડ ગામે, ખારા ફળિયામાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવ્યાબેન મહેન્દ્રભાઈ પટેલના મોબાઈલ નંબર પર 8456896552 મોબાઈલ નંબર પરથી એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં નટરાજ પેન્સિલના ફોટા સાથેની એક પોસ્ટ આવી હતી. જે પોસ્ટમાં લખ્યું હતું કે અમારી કંપનીમાં 10 હજારથી વધુ યુવક યુવતીઓની જરૂર છે. અને કંપનીમાં પેન્સિલ પેકિંગના કામ માટે મહિને 30 હજારનો પગાર ચુકવવામાં આવશે. દિવ્યાબેન પાસે ઠગે વોટ્સએપ મેસેજ દ્વારા સ્કેનર, ગુગલ પે તેમજ એકાઉન્ટ નંબર 03081010364161માં અલગ અલગ બહાને પૈસા મંગાવતા યુવતીએ 1,66,008/- રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં દિવ્યાબેનને પોતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડ્યું હતું.

બીજા કિસ્સામાં નરડાગામે , પટેલ ફળિયામાં રહેતી અને અભ્યાસ કરતી યુવતી પ્રિયંકા અરૂણભાઈ પટેલના મોબાઈલ પર 7767934529 તથા 9917854001 મોબાઈલ નંબર પરથી લિંક આવી હતી. યુવતીએ લિંક ખોલીને જોતા ઇન્ડિયા માર્ટ નામની કંપનીમાં ઓનલાઈન સેલ્સમેન તરીકેની નોકરીની જાહેરાત હતી. જે લિંક ખોલ્યા બાદ યુ.પી.આઈ નંબર. 38389950605 પર 100 રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવતા અભ્યાસ કરતી યુવતીએ ઓનલાઈન નોકરી કરવાની ચાહમાં 100 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં અલગ અલગ બહાને પ્રિયંકાબેન પાસે નોકરી મેળવવા માટે પૈસાની માંગણીઓ કરતા તેણીએ કુલ 88,000/- રૂપિયા ઠગને ઓનલાઈન ધરી દીધા હતા. અન્ય એક કિસ્સામાં મિયાપુર, ભારત પેટ્રોલપંપની પાછળ રહેતી યોગીતા વિઠ્ઠલભાઈ કુંભરના મોબાઈલ નંબર પર 7004271715 મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. અને સામેથી પુરુષ ઇસમે હિન્દી ભાષામાં જણાવ્યું હતું કે તમારું નામ યોગીતાબેન છે. તમારી દીકરીનું નામ રિયાંશી છે. તેવું જણાવી ઠગે આગળ વાત વધારી હતી અને તમારા દીકરીના 15 હજાર રૂપિયા તમારા ખાતામાં આવી ગયા છે. ઠગે જણાવેલી વાતમાં ભોળવાઈ જતા યુવતીએ તરત જ ખાતામાં ચેક કરીને જણાવ્યું હતું કે પૈસા નથી આવ્યા. ઠગે યુવતીને ફોન ચાલુ રાખી પોતાનો ગૂગલ પે નંબર આપવાનું જણાવ્યું હતું. યુવતીએ ગૂગલ પે નંબર આપતાજ ઠગે ફોન કટ કરી દીધો હતો. બાદમાં યોગીતાબેને પોતાના ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તે ચેક કરવા જતાં તેણીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 31,288/- રૂપિયા કપાઈ ગયા હતા.

મહુવા તાલુકામાં ઓનલાઈન ઠગાઈનો આ ચોથો કિસ્સો બનવા પામ્યો છે. અગાઉ પણ ગુણસવેલ ગામના ગણપત લોહરે નોકરી મેળવવાની લોભામણી જાહેરાતમાં ઓનલાઈન 75 હજાર ગુમાવ્યા હતા. તેમ છતાં લોકોમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓને લઈને જાણકારી ના અભાવે હજુ પણ અનેક લોકો ભોગ બની રહ્યા છે. અને અંતે લાખો રૂપિયા ગુમાવવાનો વારો પણ આવે છે. મહુવા તાલુકામાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પણ 3 યુવતીઓએ ઠગ ટોળકી પર વિશ્વાસ મુકતા કુલ 2,85,296/- રૂપિયા ગુમાવ્યા હતા. ત્યારે ઓનલાઈન ઠગ ટોળકી સાથે કોઈ પણ ટ્રાન્જેક્શન, એકાઉન્ટ નંબરની આપ- લે કે પછી ગૂગલ પે નંબર આપવા પહેલા વિચાર કરવો તેવું હાલના તબબકે લાગી રહ્યું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!