ચાલુ પરીક્ષાએ તબિયત લથડતા બારડોલી તાલુકાની ધો.૧૦ની વિદ્યાર્થિનીની વ્હારે શાળા પરિવાર
તાત્કાલિક પ્રાથમિક સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલી વિદ્યાર્થિની પરીક્ષામાં પુન: જોડાઈ
બારડોલીની બી.એ.બી.એસ હાઈસ્કુલમાં ધોરણ ૧૦ની ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિનીની તબિયત લથડતા શાળા પરિવાર અને પ્રાથમિક આરોગ્યની ટીમે સમયસૂચકતા દાખવી તેને સારવાર આપતા વિદ્યાર્થિની સ્વસ્થ થઈ હતી. તાત્કાલિક પ્રાથમિક સારવાર મળતા સ્વસ્થ થયેલી વિદ્યાર્થિની પરીક્ષામાં પુન: જોડાઈ હતી.
હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ધો.૧૦ની વિજ્ઞાન વિષયની પરીક્ષા આપી રહેલી બારડોલી તાલુકાની વિદ્યાર્થિની સેજલકુમારી સંદીપભાઈ ચૌધરી ચાલુ પરીક્ષાએ અસ્વસ્થ થઈ હતી. સેજલકુમારીને ગાલપચોળીયા થયા હોવાને કારણે તેની દવા ચાલતી હતી. અને સવારે નાસ્તો કર્યા વગર પરીક્ષા આપવા આવી હોવાથી અચાનક તેની તબિયત બગડી હતી, ત્યારે શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન અધેરાએ તાત્કાલિક વિદ્યાર્થિનીની સંભાળ લઈ તેણીને ડૉ. ભરતભાઈ એમ.શાહ દ્વારા પ્રાથમિક સારવાર અપાવી હતી, અને આરોગ્ય ટીમ દ્વારા તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.
વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર અપાયા બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ હતી. અને સ્વેચ્છાએ પરીક્ષામાં પુન: જોડાઈ વિજ્ઞાન જેવા અઘરા વિષયની પરીક્ષા સ્વસ્થ ચિત્તે આપી હતી અને પેપર પૂર્ણ કર્યું હતુ. દીકરીની નાદુરસ્ત તબિયતની જાણ થતા બારડોલી ઝોન-૭૭ના ઝોનલ અધિકારી ડૉ.સંગીતાબેન મિસ્ત્રીએ પણ તાત્કાલિક તેની પાસે પહોંચી જઈ તેની સ્વસ્થતાની ખાતરી કરી હતી. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિની અને તેના પિતા માટે જમવાની વ્યવસ્થા કરી નજીકના દવાખાને વધુ સારવાર માટે મોકલ્યા હતા.





