પી.એમ.સૂરજ પોર્ટલ થકી સ્વરોજગારના નવા દ્વાર ખુલશે
}} ‘સ્ત્રી-સશક્તિકરણ’ શબ્દ સતત કાનમાં ખૂચતા પ્રાઈવેટ નોકરી છોડી સ્વ-રોજગાર માટે સુરતને કર્મભૂમિ બનાવી:
}} સરકારની રૂા.૧૦ લાખની ટર્મ લોન યોજનાનો લાભ મેળવી હંસાબેન અંજારાએ કરિયાણાનો વ્યવસાય કરી આત્મનિર્ભર બન્યાઃ
દેશમાં સામાજિક ઉત્થાન અને રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલનું (PM-Suraj) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શનલ હોલ ખાતે સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા લાભાર્થી હંસાબેન અંજારાએ પોતાની ગાથા વર્ણવતા કહ્યું કે, સરકારની જનરલ ટર્મ લોન યોજના લાભ મેળવી હું આત્મનિર્ભર બની છું.
લાભાર્થી હંસાબેન વાત કરતા કહે છે કે, ધો.૧ થી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો હતો. લગ્ન પછી નવસારી આવ્યા અને ૧૭ વર્ષ પછી B.edની ડિગ્રી પ્રાપ્ત કરી ત્રણ વર્ષ નોકરી કરી પણ પહેલાંથી જ કંઈક કરવાની ઈચ્છાશક્તિને અનુસરી સુરતને કર્મભૂમિ બનાવી છે. સુરતમાં મારાં પતિ સફાઈનું કામ કરે છે. અમે વર્ષોથી સખી મંડળની બહેનો સાથે જોડાઈને સ્વ-બચત કરીને રોજગારી મેળવતા હતા. ત્યારે થોડા સમય પહેલાં ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ-ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની જાહેરાત સમાચાર પત્રમાં વાંચી. તમામ દસ્તાવેજ સાથે ઓનલાઇન અરજી કરી અને ટૂંક સમયમાં જ જનરલ ટર્મ લોન યોજનાનો લાભ મળ્યો છે. જેમાં યોજના હેઠળ રૂ.૧૦ લાખની લોન મળી છે. તે પણ માત્ર વાર્ષિક ૬ ટકા વ્યાજ દરે. આ યોજનાના લાભથી ઘરે બેઠા કરિયાણાનો વ્યવસાય શરૂ કર્યો. આજે મને દર મહિને હપ્તો બાદ કરતાં ૨૫ થી ૩૦ હજારની કમાણી કરતી થઈ છું. જે મારા અને મારા પરિવાર માટે લોટરી કરતા ઓછું નથી.
‘સ્ત્રી-સશક્તિકરણ’ એ શબ્દ મને હમેશા મારા કાનમાં ખૂંચે છે. એટલે જે લાભ મને મળ્યો છે જે સમાજની જરૂરિયાત મંદ અન્ય મહિલાઓને અપાવવા સતત પ્રયત્નશીલ રહીશ અને દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી મહિલા સશક્તિકરણની નેમ સમાજની અન્ય મહિલાઓ માટે ચરિતાર્થ થતી દેખાઈ રહી છે. જે બદલ હંસાબેને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતી હતી.





