મહુવાના અસ્મિતા ભવન ખાતેથી ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની ઉપસ્થિતિમાં PM કિસાન દિવસની ઉજવણી: તાલુકામાં અન્ય ૭ સ્થળોએ કાર્યક્રમ યોજાયો
——–
વડાપ્રધાનશ્રીના હસ્તે પી.એમ. કિસાન યોજનાના ૨૪માં હપ્તાનો લાભ ખેડૂતોને અર્પણ
ખેતીના સર્વાંગી વિકાસ અને દેશના ખેડૂતોને પારદર્શક રીતે આર્થિક સહાય પહોંચાડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૪મો હપ્તો DBT મારફતે સીધો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મહુવાના અસ્મિતા ભવન ખાતેથી ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ ગ્રામજનો સાથે ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું. અને તાલુકામાં શેખપૂર, ખરવાણ, કરચેલીયા, અનાવલ, વહેવલ અને વલવાડા સહિત અન્ય ૭ સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમોમાં ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોએ એલઈડી સ્ક્રીનના માધ્યમથી વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને યોજનાકીય લાભો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું.


