મહુવા તાલુકામાં ભ્રષ્ટાચારની ચાડી કરતા RO પ્લાન્ટમાં 38 લાખનો ભ્રષ્ટાચાર.
મહુવા તાલુકામાં ૧૫ માં નાણાંપંચના નામે વધુ એક ગેરરીતિ સામે બહાર આવી છે તાલુકામાં ૩૮ લાખ રૂપિયાના કુલ ૧૯ આરઓ પ્લાન્ટ ના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.એજન્સી દ્વારા આરઓ પ્લાન્ટ માત્ર મૂકીને આવતા રહ્યા બાદ કાર્યરત જ નહિ કર્યા હોવા છતાં તાલુકા પંચાયતના અધિકારીઓના આંખ મિચામણા ની રમત વચ્ચે જાણે ભાગબટાઈ ની લાલસામાં પેમેન્ટ નું ચૂકવણું પણ થઈ ગયું હોવાની માહિતી સાપડી છે ત્યારે આ પ્રકરણમાં તપાસ નો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકા પંચાયતમાં પાણીની ટાંકી ના કામોમાં નકશા અંદાજ મુજબ કામ નહિ કરવા મુદ્દે વિજિલન્સ તપાસ ની માંગ કરવાનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તાલુકા પંચાયતના ૧૫ માં નાણાપંચ ના કામ માં વધુ એક વિવાદ નો વંટોળ ફૂંકાયો છે.
તાલુકાના ૧૯ ગામોમાં ૨ લાખ રૂપિયા દીઠ ૧૯ જેટલા આર ઓ પ્લાન્ટ ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.આમ કુલ ૩૮ લાખ રૂપિયાના આરઓ પ્લાન્ટ એજન્સી દ્વારા સ્થળો એ મૂકી તો દીધા પરંતુ જાણે ફીટ કરી કાર્યરત કરવાનું જ ભૂલી ગયા.ટકાવારી ના રાજમાં દેખરેખ રાખનાર જવાબદાર મહાશયો પણ તેની ફરજ ચૂકી ગયા હોય તેમ ગાંધીછાપ ના પ્રભાવમાં પ્રમાણપત્ર પણ આપી દીધું હોય ત્યારે પેમેન્ટ નું ચૂકવણું પણ કરી દીધું હોવાનુ જાણવા મળ્યુ છે.
હાલ તો ગુજરાતમિત્ર દ્વારા તપાસ કરવામાં આવતા આર ઓ પ્લાનાતનું જોડાણ જ નહિ કરેલ હોય કાર્યરત હાલતમાં નહિ હાલતમાં નહિ હોય ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
આર ઓ પ્લાન્ટ ની ગુણવત્તા સામે તપાસ જરૂરી
એજન્સી ને કોઈ રોકનાર નહિ હોય કે ટોકનાર નહિ હોય ત્યારે આ આર ઓ પ્લાન્ટ મૂકી આવ્યા બાદ ધૂળ ખાય છે તો બીજીબાજુ જાગૃત નાગરિકો આ આર ઓ પ્લાન્ટ ની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ આર ઓ પ્લાન્ટ ની ગુણવતા અને પ્લાન્ટ એસ્ટીમેટ ની પણ ચકાસણી કરી તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
એજન્સી ના અનેક કામોની પણ તપાસ જરૂરી
આર ઓ પ્લાન્ટ મૂકનાર એજન્સી સંચાલકને તાલુકા પંચાયતના અધિકારી સાથે જાણે ગઠબંધન હોય તેમ મોટાભાગના કામો આ એજન્સી કરે છે અને કામોમાં વિવાદ સર્જાય છતાં બેરોકટોક કામો કરવામાં આવી રહ્યા છે.કચેરીના કેટલાક અધિકારીઓ જ આ એજન્સીના કારભારીઓ ને પંપાળી ગેરરીતિ આચરવામાં ખુલ્લુ પ્રોત્સાહન આપતા હોવાની પ્રતીતિ થઈ રહી છે.





