સ્વસહાય જૂથ યોજના અંતર્ગત મળેલી સહાયથી મંડળને પ્રગતિના માર્ગે લઈ જઈશું: લાભાર્થી સરસ્વતી સખી મંડળના પ્રમુખ પ્રિતિબેન ચીખલિયા
સરસ્વતી સખી મંડળ, લસકાણાના પ્રમુખ પ્રિતિબેન ચીખલિયા ખુશી વ્યક્ત કરતાં જાણાવ્યું હતું કે “મારા ગામમાં મધ્યવર્ગી પરિવારો રહે છે, જેથી ઘર પરિવાર ચલાવવા માટે આર્થિક સમસ્યાઓ ઉભી થતી હતી, જેને નિવારણ માટે ગામની ૧૦ મહિલાઓ સાથે મળીને અમે સખી મંડળની સ્થાપના કરી ભરતગૂંથણની વિવિધ ચીજવસ્તુની બનાવતનું કામ શરૂ કર્યું હતું. મહિને દરેક સભ્ય રૂ.૫૦૦ આપી એક ફંડ ભેગુ કરી ભરત ગૂંથણમાંથી વિવિધ ચીજવસ્તુની બનાવટ માટે ઉનના દોરા, કાપડ, દાભડો સહિતનો કાચો માલ લાવીએ છીએ. આ કાચા માલમાંથી મહિલાઓ ઘરેબેઠા અનેક પ્રકારનું ભરત ગૂંથણ કામ કરીને તોરણ, પટ્ટા, પડદા, નાળીયેર, ચૂંદડી તેમજ ઇંઢોણી જેવી ચીજવસ્તુઓ બનાવી રોજીરોટી કમાઈ રહી છે.
તેમણે કહ્યું કે, સખી મંડળની શરૂઆત કરતાં સરકાર તરફથી વિવિધ સહાય પણ મળતી રહી છે, ત્યારે સરથાણા ખાતે નારીશક્તિ વંદના કાર્યક્રમમાં સરકાર દ્વારા સ્વસહાય જુથ યોજના અંતર્ગત અમારા મંડળને રૂ.એક લાખનો ચેક આપવામાં આવ્યો છે, જેથી મંડળની બહેનોનો વધુ વિકાસ થશે. અમારી જરૂરિયાતો પણ પુર્ણ થશે અને મંડળમાં વધુ બહેનોને જોડીશું. મહિલાઓ પગભર થાય, ઘરપરિવારને મદદરૂપ થઈ શકે એના માટે સરકાર વિવિધ યોજનાઓથી સહાય કરી રહી છે, ત્યારે આવી સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરું છું





