સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂ.૪૧૯ કરોડના ખર્ચે કુલ ૧.૬૫ લાખ આદિજાતિ લાભાર્થીઓને લાભ અપાયો :આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ
આદિજાતિ પશુપાલકોને જાતવાન પશુઓ આપીને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર કટિબદ્ધ
આદિજાતિ વિસ્તારના પશુપાલકોને જાતવાન પશુઓ આપીને દૂધમાં વધારો કરીને વધુને વધુ આર્થિક પગભર બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે.ગુજરાતમાં સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ.૪૧૯ કરોડથી વધુના ખર્ચે કુલ ૧.૬૫ લાખ આદિજાતિ લાભાર્થી ભાઈ-બહેનોને લાભ આપવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૭૭૮ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૬૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે તેમ,વિધાનસભા ગૃહમાં જેતપુરના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું હતું.
રાજ્ય મંત્રી શ્રી હળપતિએ વધુ વિગતો આપણા ગૃહમાં જણાવ્યું હતું કે,આ યોજના હેઠળ પશુ સારવાર,પશુ આહાર તેમજ પશુ ઉછેર માટે પશુપાલકોને તાલીમ પણ આપવામાં આવે છે. લાભાર્થીને અત્યારે કુલ રૂ. ૭૦ હજારની સહાય કરવામાં આવતી હતી, જેમાં રૂ. ૪૫,૦૦૦ની સબસીડી, ૨૨,૫૦૦ની લોન તેમજ લાભાર્થી ફાળા તરીકે રૂ. ૨,૫૦૦ લેવામાં આવે છે. જ્યારે આગામી બજેટ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ રકમ વધારીને રૂ. ૯૦,૦૦૦ કરવામાં આવી છે જેના પરિણામે પશુપાલન સાથે જોડાયેલી આદિજાતિ મહિલાઓ વધુ આર્થિક સમૃદ્ધ બનશે તેમ,મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.





