નવી સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ત્રીજુ દેહદાન: રાજસ્થાની પરિવારના ૮૯ વર્ષીય સ્વ.ફતેહલાલ શાહનું સુરતની સરકારી મેડિકલ કોલેજમાં દેહદાન  

SHARE:

નવી સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ત્રીજુ દેહદાન: રાજસ્થાની પરિવારના ૮૯ વર્ષીય સ્વ.ફતેહલાલ શાહનું સુરતની સરકારી મેડિકલ કોલેજમાં દેહદાન
 
દેહદાતા દાદાએ સ્વેચ્છાએ દેહદાનની પ્રતિજ્ઞા લીધી હતી: પૌત્ર ચિરાગભાઈ
 
પરિવારની મંજૂરી અને સ્વ.ફતેહલાલની પૂર્વ પ્રતિજ્ઞાને પગલે સફળ દેહદાન અન્યો માટે પ્રેરણાદાયી
ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને કારણે ભારતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના સરળતાથી જોવા નથી મળતી. હિન્દુ ધર્મમાં દેહાંત બાદ વિધિવત અંતિમસંસ્કારનું મહત્વનું સ્થાન હોવાથી મોટા ભાગે લોકો દેહદાન માટે અચકાતા હોય છે. ત્યારે મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુકરખેડા ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા સ્વ.ફતેહલાલ શાહના દેહનું દાન સ્વર્ગસ્થના સંકલ્પ મુજબ સુરતની સરકારી મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. આ દેહદાન થકી તબીબી અભ્યાસ કરી રહેલા મેડિકલના છાત્રો શરીરરચના સંબંધિત તબીબીક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. નવી સિવિલમાં એક મહિનામાં ત્રીજુ દેહદાન થયું છે.
સ્વ.ફતેહલાલના બે પુત્ર પૈકી ઉત્તમભાઈ અડાજણના એલ.પી.સવાણી રોડ વિસ્તારમાં રહે છે. સ્વ.ફતેહલાલ પુત્ર સાથે છેલ્લા ચારેક મહિનાથી રહેતા હતા. સ્વ.ફતેહલાલની છેલ્લા બે દિવસથી તબિયત લથડી હતી. તા.૨૨મી રાત્રે ઊંઘી ગયા બાદ તા.૨૩મીએ સવારે ન જાગતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ ફતેહલાલ સ્વર્ગથ થયા હોવાની જાણ કરી એટલે ગણતરીના કલાકોમાં પરિવારે ધાર્મિક વિધિ પૂર્ણ કરી સવારે આઠ વાંગ્યે મેડિકલ કોલેજમાં દેહદાન માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. સ્વ.ફતેહલાલની પૂર્વ પ્રતિજ્ઞા અને પરિવારની સમંતિથી સુરત સરકારી મેડિકલ કોલેજમાં સ્વ.ફતેહલાલનું દેહદાન કરવામાં આવ્યું હતું.
સ્વ.ફતેહલાલના પૌત્ર ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, દાદાનું જીવન સાદગીભરેલું અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત હતું. દરેક સેવાકીય પ્રવૂતિમાં ભાગ લઈ તેઓ હંમેશા સમાજને ઉપયોગી થઈ લોકો માટે મદદરૂપ બન્યા હતા. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા દાદાએ તેમનું સમગ્ર જીવન દેશસેવામાં સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું. લોકસેવાના ધ્યેયને પૂર્ણ કરવા શિક્ષક હોવાની સાથે જ દાદાએ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો. અને વકીલ તરીકે ઓછા સમય માટે વકીલાત કરી તેઓ કુકરખેડા ગામના સરપંચ બન્યા હતા. સ્વ.ફતેહલાલે નિવૃત્ત જીવન પરિવારની સાથે અને ગામની સેવામાં પસાર કર્યું તેમજ દાદા-દાદીએ સ્વેચ્છાએ દેહદાનનો સંકલ્પ લીધો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
દેહદાનના પૂર્વસંકલ્પ અને પરિવારની સહમતિ હેઠળ ૮૯ વર્ષીય સ્વ.ફતેહલાલનું દેહદાન નવી સિવિલ સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલ છાત્રોના અભ્યાસ માટે કરાયું હતું. પોતાના દિકરા સાથે સુરતમાં વસતા સ્વ.ફતેહલાલે દેહદાન થકી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડયું છે. જીવતાજીવત અને મૃત્યુ બાદ પણ સમાજ અને દેશને ઉપયોગી થવાની પરિવારની સદ્દભાવના હજારો પરિવારોનો રાષ્ટ્રપ્રેમ અને જનસેવાની ભાવના દર્શાવે છે.
પરિવારે લીધેલા નિર્ણય બાદ નવી સિવિલ હોસ્પિટલના એનેટોમી વિભાગના તબીબોએ દેહદાન સ્વીકાર્યું હતું.
નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ સ્વ. ફતેહલાલના દેહદાનનો સંકલ્પ અન્ય લોકો માટે પ્રેરણાદાયી હોવાનું જણાવતા કહ્યું કે, આ દેહદાનથી મેડિકલ, ફિઝીયો, નર્સિંગ સહિતના વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે ખૂબ ઉપયોગી બની રહેશે. દેહદાતા પરિવારને નતમસ્તક વંદન છે.
નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે નવી સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર અને થયેલા દેહદાનને સફળ રીતે પૂર્ણ કરવામાં અધિક તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, એનોટોમી વિભાગના વડા ડો.ધન્નજય પાટીલ, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નિલેશ લાઠીયા, વિરેન પટેલ, જગદિશ બુહા, એનોટોમી વિભાગના તબીબો, નર્સિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

દેહદાન એટલે શું?

મૃત્યુ પછી દેહનું સંપૂર્ણ દાન એટલે દેહદાન. મૃત્યુ પછી દેહને દફન ક્રિયા કે અગ્નિ સંસ્કાર કરીને રાખ કરવાના બદલે દેહદાન માટે નિયુક્ત કરેલી ગવર્નમેન્ટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ અને એજ્યુકેશન માટે સુપરત કરવામાં આવે તે એટલે દેહદાન.

દેહદાનનું મહત્વ:

માનવ શરીરમાંથી પ્રાણપંખેરું ઊડી જાય પછી ડેડ બોડીને રાખ કરી દેવામાં આવે છે, અથવા દફન કરવામાં આવે છે. એનેટોમી- શરીરરચનાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને શરીરરચના અંગે રિસર્ચ કરનારા અભ્યાસુઓ માટે મૃતદેહ મુખ્ય ટીચિંગ સ્ટૂલ એટલે કે આધાર છે. અભ્યાસ માટે હોસ્પિટલોને અન ક્લેઇમ્ડ એટલે કે જે હક્ક દર્શાવ્યા વિનાના મૃતદેહ પર આધાર રાખવો પડે છે. બીજી બાજુ અનેક મૃતદેહો રાખ થઈ જાય છે કે દફન કરવામાં આવે છે એના બદલે જો એનું દાન થાય તો શરીરરચનાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓ પોતાના અભ્યાસ થકી લાખો લોકને મદદરૂપ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!