૧૨ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા દિવ્યાંગ મહિલા સમતાબેન શેઠીયાને પી.એમ.આવાસ યોજનાએ આપ્યો ઘરના ઘરનો આધાર

SHARE:

૧૨ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા દિવ્યાંગ મહિલા સમતાબેન શેઠીયાને પી.એમ.આવાસ યોજનાએ આપ્યો ઘરના ઘરનો આધાર
 
બાળપણથી પોલિયોગ્રસ્ત સમતાબેન અને શેઠીયા પરિવારના જીવનમાં ઉર્ધ્વગામી બદલાવ આવ્યો
 
સુરતઃસોમવારઃ- પોતાની માલિકીના ઘરનું સ્વપ્ન કોણ નથી જોતું? અને જો આ સપનુ પૂરું થઈ જાય તો તેનાથી વધુ ખુશીની વાત બીજી કોઈ ન હોય. ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ છત્રછાયા પૂરી પાડી છે. મોંઘા શહેરી વિસ્તારોમાં રહેતા લોકો બે છેડા ભેગા કરે ત્યારે માંડ ઘર ખર્ચ નીકળે છે. તેમાય જો પરિવારના સભ્યને મોટી બિમારી આવી પડે તો મસમોટા ખર્ચમાં બધી બચત વપરાઈ જાય. તેવા સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આવા જ એક પરિવારને પી.એમ.આવાસ યોજનાએ છત્રછાયા પૂરી પાડી છે. શેઠીયા પરિવારના સમતાબેનને સુરતના વેસુ પાસે ભરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વન બીએચકેનો ફ્લેટ મળતા ભાડાના મકાનમાંથી મુક્તિ મળી છે. ૧૨ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા દિવ્યાંગ મહિલા સમતાબેન અને પરિવારને પી.એમ.આવાસ યોજનાએ ઘરના ઘરનો આધાર આપ્યો છે.
મૂળ રાજસ્થાનના વતની ૪૩ વર્ષીય સમતાબેન પુખરાજ શેઠીયા બાળપણથી પોલિયોગ્રસ્ત હોવાથી વોકર વિના ચાલી શકતા નથી. પરંતુ દિવ્યાંગ હોવા છતાં નાસીપાસ થયા વિના તેઓના આસપાસના ઘરના બાળકોને ટ્યુશન કરાવીને પતિને ઘર ચલાવવામાં આર્થિક ટેકો આપી રહ્યા છે. તેમણે બી.કોમ.સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પતિ પુખરાજ કાપડ ઉદ્યોગમાં નોકરી કરે છે. ૧૧ વર્ષની પુત્રી અભ્યાસ કરે છે.
સમતાબેન પ્રતિભાવ આપતા જણાવે છે કે, હું એક વર્ષની હતી ત્યારે પોલિયો થયો હતો. લગ્ન થયા બાદ સુરત આવ્યા ત્યારથી ભાડાના મકાનમાં રહેતા હતા. ભાડાના મકાનમાં રહેતા ત્યારે મકાન માલિકોના પોતાના નિયમો, પાણીના વપરાશ અને મહિનાની છેલ્લી તારીખે ભાડુ દેવામાં મોડુ થાય તો ટેન્શનમાં આવી જતા અને ઘણીવાર ઘર ખાલી કરવાની નોબત આવતી. એક દિવસે સમાચારપત્રમાં જાહેરાત વાંચી કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ બેંકમાં મળે છે. યોજનાની જાણકારી મેળવી ત્યારે વિશ્વાસ ન્હોતો બેસતો કે, અમારા જેવા ગરીબ પરિવારોને આટલા નજીવા દરે સારા વિસ્તારમાં ઘર મળતું હશે??. પણ બેંકમાંથી ફોર્મ મેળવી જરૂરી ડોકયુમેન્ટ સાથે ફોર્મ જમા કર્યું. નિયત તારીખે પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો અને આવાસ મળ્યું ત્યારે અમારા આનંદનો પાર ન રહ્યો.
અમે દર મહિને જે ભાડાની રકમ ચૂકવતા તે નાણામાં હવે લોનના હપ્તા ભરીએ છીએ. આવાસમાં ફાયર, સી.સી.ટી.વી. કેમેરા, લિફ્ટ, ગેસલાઈન, ૨૪ કલાક પાણી જેવી પાયાની સુવિધાઓની કોઈ કમી નથી. સુરત જેવા મોંઘા શહેરમાં અમારૂ ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા માત્ર રૂ.૫.૫૦ લાખમાં તો ઘરના માલિક બન્યા છીએ. સુરતમાં વેસુ જેવા પોશ એરિયામાં જમીન-મકાનનો સૌથી વધુ ભાવ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારે દાયકાઓ સુધી સેવેલુ ઘરના ઘરનું શમણું કેન્દ્ર અને રાજ્ય સરકારે સાકાર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!