આર.એન.ભાયાણી વિદ્યા સંકુલ ખાતે ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતતા વધારવા ‘ઊર્જા મિત્ર-હોમ વાન’ પ્રદર્શન યોજાયું
વિદ્યાર્થીઓને ઊર્જાના ઉપયોગો, પર્યાવરણ પર તેની અસર, ઉર્જા સંરક્ષણ અને બચત તેમજ તેના વૈકલ્પિક સ્ત્રોતો વિષે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન અપાયું
ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ હસ્તકના ‘ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA)” ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા આર.એન.ભાયાણી વિદ્યા સંકુલ-સીમાડા ખાતે ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતતા વધારવા ‘ઊર્જા મિત્ર-હોમ વાન’ પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ઊર્જા વિશે, તેના પ્રશ્નો, સંરક્ષણ/બચતની જરૂરિયાત/આવશ્યકતા, ઊર્જા સંરક્ષણ દ્વારા પર્યાવરણ સુરક્ષા, ગ્લોબલ વોર્મિંગ/ ક્લાઈમેટ ચેન્જના કારણો અને અસરો પ્રત્યે જાગૃતિ કેળવાય, ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ, પુન:પ્રાપ્ત/હરિત જેવા ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો, કાર્યક્ષમ ઉપકરણોના ઉપયોગ દ્વારા ઊર્જાની કટોકટીને અમુક અંશે નિવારી શકાય જેવા મુદ્દાઓ પર મૌખિક/PPT માર્ગદર્શન વાર્તાલાપ, પ્રદર્શન વાનમાં ડિસ્પ્લે કરવામાં આવેલ ઇલેક્ટ્રિક સાધોનોનો કાર્યક્ષમ ઉપયોગ, પાવર સેવર પેનલ દ્વારા ડેમોસ્ટ્રેશન, શોર્ટ વિડીયો/ ફિલ્મ, પ્રશ્નોતરી વગેરે પ્રવૃત્તિ દ્વારા પ્રોગામ કો-ઓર્ડીનેટર/તજજ્ઞશ્રી જી.એન.કાકડિયા અને વેદાંત ફાઉન્ડેશનના પ્રમુખ રાઘવજીભાઈ વેકરીયાએ ઊંડાણમાં સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રમેશભાઈ ભાયાણી, ગુજરાતી માધ્યમના આચાર્ય મોહિતભાઈ ગોર, શાળાનાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.





