કામરેજ વિધાનસભાનો પી.એમ.આવાસોનો ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો

SHARE:

કામરેજ વિધાનસભાનો પી.એમ.આવાસોનો ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો
 
કામરેજ વિધાનસભાના ૧૯૨૫ આવાસોમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવતા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
 
કામરેજ વિધાનસભા વિસ્તારમાં ૩૦૦ બેડની નવી સરકારી હોસ્પિટલ નિર્માણ પામશે: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
  સુરત મનપા નિર્મિત ૧૧૬૮ અને સુડા નિર્મિત ૭૫૭ મળી કુલ ૧૯૨૫ આવાસો થકી લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને કામરેજ વિધાનસભા વિસ્તારનો પી.એમ.આવાસોનો ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીએ સુરત મનપા નિર્મિત ૧૧૬૮ અને સુડા નિર્મિત ૭૫૭ મળી કુલ ૧૯૨૫ આવાસોના લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવ્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યની તમામ વિધાનસભાઓમાં સમાવિષ્ટ કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથોસાથ તેમણે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કર્યો હતો. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
સુરત જિલ્લાના કામરેજ સ્થિત અવંતિકાપુરી સોસાયટીના મેદાનમાં આયોજિત સમારોહમાં મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, કામરેજ વિધાનસભા કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ સુધી રૂ.૩.૫૦ કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. કામરેજ વિધાનસભા વિસ્તારમાં ૩૦૦ બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે, જે માટે હોસ્પિટલ નિર્માણની દિશામાં ઝડપભેર મંજૂરી, નિર્માણ અને અનુદાનની કામગીરી થઈ રહી છે.
છેલ્લા બે દાયકામાં શહેરીકરણ અને વિકાસનો વ્યાપ વધતા કામરેજની કાયાપલટ થઈ છે. નાનકડું ગામડું ગણાતું કામરેજ આજે સંપૂર્ણ પરિવર્તિત થઈને વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધ્યું છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી પાનશેરીયાએ કહ્યું કે હવે મહત્તમ યોજનાઓની આર્થિક સહાય સીધી લાભાર્થીના બેન્ક ખાતામાં આપવામાં આવતા વચેટિયા અને દલાલો, એજન્ટોનો એકડો જ નીકળી ગયો છે. પારદર્શક શાસન અને લોકાભિમુખ અભિગમની પ્રતીતિ હવે છેવાડાના ગ્રામજનોને પણ થઈ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ આજે રાજ્યભરમાં ૩ હજાર કરોડના ૧.૩૨ લાખ આવાસોનું લોકાર્પણ ખાતમુહૂર્તના રૂપમાં જોવા મળ્યું છે.
મંત્રીશ્રીએ લાભાર્થીઓને આવાસની ચાવીઓ અર્પણ કરી ઉપસ્થિત સૌને આયુષ્માન ભારત, વિવિધ આવાસ યોજનાઓ, શિક્ષણ, કૃષિ, બાગાયતની કલ્યાણકારી યોજનાઓનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓએ આવાસીય લાભ મળવાની ખુશી પ્રતિભાવ સ્વરૂપે રજૂ કરી હતી.
પ્રારંભે પ્રાંત અધિકારી વી.કે. પીપળીયાએ મંત્રીશ્રી અને મહાનુભાવોને સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ, સુડાના સી.ઈ.ઓ. શ્રી વસાવા, મામલતદાર આર.એસ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એસ.જી.પટેલ, કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા, સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સુરત મનપા અને સુડાના અધિકારીઓ, મોટી સંખ્યામાં લાભાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!