તા.૧૦મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત શહેર-જિલ્લાની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ઈ-લોકાર્પણના કાર્યક્રમોના આયોજન અર્થે બેઠક મળી
જિલ્લાની ૬ વિધાનસભાઓમાં ૪,૯૬૦ પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરાશે. જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત શહેરની ૧૦ તથા જિલ્લાની ૬ વિધાનસભાઓમાં આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ દરેક કાર્યક્રમોમાં લાભાર્થીઓ સમયસર ઉપસ્થિત રહે તે માટે જે તે જિલ્લા નોડલ અધિકારીઓને પ્રજાના પ્રતિનિધિઓના પરસ્પર સંકલન કરીને કામગીરી કરવા જણાવ્યું હતું.
સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ ધામદોડ લુંભા ખાતે, મહુવા વિધાનસભાનો કાર્યક્રમ ભગવાનપુરા ગામે, ઉમરપાડા-માંગરોળ વિધાનસભાનો કાર્યક્રમ ઝંખવાવ ખાતે, માંડવીમાં નગરપાલિકા ગ્રાઉન્ડ, ઓલપાડમાં આર્ટસ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, હાથીસા રોડ ખાતે તેમજ કામરેજ વિધાનસભામાં કામરેજ ચાર રસ્તા પાસે અવંતિકાપૂરી સોસાયટી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે. જિલ્લાની છ વિધાનસભાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં મંત્રીઓ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ૪,૯૬૦ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.
કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પાણી પુરવઠાની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓને લાવવાની વ્યવસ્થા સહિત અન્ય વ્યવસ્થા અંગે અમલીકરણ અધિકારીઓને સૂચના અપાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, માંડવી પ્રાયોજના વહીવટદાર નિધિ સિવાચ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





