મસાલા પ્રોસેસીંગ યુનિટે અપાવી જાગૃતિ સખીમંડળની બહેનોને આર્થિક આત્મનિર્ભરતા

SHARE:

મસાલા પ્રોસેસીંગ યુનિટે અપાવી જાગૃતિ સખીમંડળની બહેનોને આર્થિક આત્મનિર્ભરતા

માંડવીના પરવટ ગામના જાગૃતિ સખીમંડળની બહેનો મસાલા પ્રોસેસીંગ યુનિટ થકી મહિને રળે છે અંદાજે દસ હજારની આવક
સમાજના તમામ વર્ગોનો સમતોલ અને સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મહિલાઓ પણ આર્થિક રીતે પગભર થઇ પુરૂષ સમોવડી બને એ માટે અમલી મિશન મંગલમ યોજનાએ રાજયની લાખો બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે.
મિત્રો, અહીં આપણે વાત કરવી છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના પરવટ ગામના જાગૃતિ સખીમંડળની બહેનોની આર્થિક આત્મનિર્ભરતાની. માંડવી તાલુકાના વિસડાલિયા ગામે વનવિભાગ દ્વારા બનાવવામાં આવેલા રૂરલ મોલમાં જાગૃતિ સખીમંડળની બહેનો મસાલા યુનિટ ચલાવે છે. આ યુનિટમાં તેઓ ગરમ મસાલો, ધાણા-જીરૂ પાવડર, હળદર અને ચા મસાલાનું પ્રોસેસિંગ, પેકીંગ અને વેચાણ કરી મહિને પ્રતિવ્યક્તિ અંદાજે રૂપિયા દસ હજારથી વધુની આવક મેળવે છે.
આ અંગે વાત કરતા સખીમંડળના પ્રમુખ નિશાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારા સખીમંડળના બહેનોને મસાલા પ્રોસેસીંગ અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મેળવ્યા બાદ અમે નાના મશીનથી નાના પાયે મસાલા પ્રોસેસીંગનું કામ શરૂ કર્યું હતું. નાના મશીનથી અમે ૪૦ થી ૫૦ કિલો મસાલાનું પ્રોસેસીંગ કરતા હતા.
વન વિભાગ વિસડાલિયા કલસ્ટર દ્વારા અમને વિનામૂલ્યે અત્યાધુનિક ટેકનોલોજીવાળા મશીનો આપવામાં આવ્યા છે. જેનાથી હવે અમારા કામમાં વધારો થયો છે. પહેલા નાના મશીનથી અમે ૪૦ થી ૫૦ કિલો મસાલાનું પ્રોસેસીંગ અને પેકેજીંગ કરતા હતા. હવે અમે ૨૦૦ થી ૩૦૦ કિલો મસાલાનું પ્રોસેસીંગ અને પેકેજિંગ કરીએ છીએ.
કાચા માલ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગરમ મસાલાના પ્રોસેસીંગ માટે અમે કેરલથી ઓનલાઇન માલ મંગાવીએ છીએ. જયારે હળદરની ગાંઠો ડાંગ સહિત હળદરનું વાવેતર કરતા અન્ય જિલ્લામાંથી મંગાવીએ છીએ એમ ઉમેર્યું હતું.
વેચાણ વ્યવસ્થા અંગે પ્રકાશ પાડતા નિશાબેને કહ્યું હતું કે, અમારા યુનિટ પર જ અમે છુટક વેચાણ કરીએ છીએ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભરાતા હાટ બજારમાં, કરિયાણાની દુકાનોમાં પણ અમે અમારા ઉત્પાદનોનું વેચાણ કરીએ છીએ. જો કોઇ વેપારી અમને ઓર્ડર આપે તો અમે ઓર્ડરથી માલ બનાવી સપ્લાય કરીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું.
વાતનો દોર આગળ ચલાવતા તેમણે જણાવ્યું હતું કે, અમારા મંડળમાં અમે દસ બહેનો કામ કરીએ છીએ. આવકની વાત કરૂં તો સિઝન પ્રમાણે આવકમાં વધ ઘટ થતી રહે છે. તેમ છતાં અમારી બહેનો માસિક રૂપિયા દસ હજાર સુધીની આવક મેળવી લે છે એમ તેમણે જણાવ્યું હતું.
સરકારની એક યોજના માણસના જીવનમાં કેવું આમૂલચુલ પરિવર્તન આણી શકે એનું ઉત્તમ ઉદાહરણ પરવટ ગામના જાગૃતિ સખીમંડળના બહેનોએ પુરૂં પાડયું છે એમ કહીએ તો કાંઇ ખોટું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!