ઓલપાડ તાલુકાના કીમ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની મેગા સ્વચ્છતા ડ્રાઈવ
જાહેરમાં કે રોડ-રસ્તા પર કચરો નાખનાર ઉપર CCTV કેમેરા દ્વારા નજર રખાશે: વન મંત્રી મુકેશભાઈ પટેલ
ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામો પૈકી ૫૧ ગામો સ્વચ્છ અને સુઘડ બન્યા
કચરો ફેંકી ગંદકી કરનારા પર દંડનીય કાર્યવાહી કરાશે
-: વન, પર્યાવરણ મંત્રી
વન, પર્યાવરણ મંત્રીએ પોતાના દત્તક ગામ મુળદની સરપ્રાઈઝ વિઝિટ લીધી
કચરામુક્ત સ્વચ્છ ભારત અને કચરામુક્ત સ્વચ્છ રાજ્યની નેમ સાથે શરૂ કરાયેલી રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા ઝુંબેશ’ અંતર્ગત ઓલપાડ તાલુકાના કીમ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સ્વચ્છતાની મેગા ડ્રાઈવમાં જોડાયા હતા. પ્લાસ્ટિકમુક્ત સ્વચ્છ ગામ બનાવવા JCB, ટ્રેક્ટર, કચરા પેટીની ગાડી અને સ્વચ્છતાકર્મીઓ સાથે કીમ ખાતે મંત્રીશ્રીએ સ્વચ્છતા મેગા ડ્રાઈવ આરંભી હતી.
સાથોસાથ, વન, પર્યાવરણ મંત્રીશ્રીએ પોતાના દત્તક ગામ મુળદની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. ગામમાં સ્વચ્છતા સાથે આરોગ્યની સુવિધા, રોડ-રસ્તા, CCTV કેમેરા, પાણી, તળાવ, શાળા, મંદિર સહિતની દરેક સુવિધાઓ અને તેની જાળવણીનિહાળીને મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે વન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રોડ-રસ્તા કે જાહેરમાં કચરો નાખનાર ઉપર CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે તેમજ કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. જાહેર માર્ગો ઉપર કરાયેલા દબાણ હટાવવા અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ આપણા ઘર સુધી આવતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ કચરો નાખવા ગ્રામજનોને અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં સ્વચ્છતા અભિયાન જન આંદોલન બન્યુ છે. ગુજરાતને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટે સઘન સફાઈ ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે. પ્લાસ્ટિક મુક્ત અને કચરા મુક્ત ગામ બનવાથી આપણું ફળિયું અને ગામ સ્વચ્છ તેમજ સ્વસ્થ બનશે. ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામમાં સ્વચ્છતા અભિયાન વેંગવતું થયુ છે. જેમાંથી ૫૧ ગામો સ્વચ્છ અને સુઘડ બન્યા છે. સૌએ પોતાની નૈતિક જવાબદારી સમજીને દર અઠવાડિયે દરેક નાગરિક બે કલાક શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
આ સ્વચ્છતા અભિયાનમાં તા. પંચાયતના પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષ લાલુભાઈ પાઠક, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, કુલદીપભાઈ, કીમ ગામ સરપંચ પ્રવિણભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો અને અગ્રણીઓ, વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ, નગરજનો જોડાયા હતા.




